હિન્દ ન્યુઝ, જામનગર
જામનગરમાં તા.૨૩ના રોજ રિલાયન્સ રિફાયનરી તથા તા.૨૪ના રોજ કલેકટર કચેરી તથા ક્રિસ્ટલ મોલ ખાતે રાષ્ટ્રીય સ્તરની કાઉન્ટર ટેરરિસ્ટ એકસરસાઈઝ યોજવામાં આવી હતી. આ મોકડ્રિલમાં રાષ્ટ્રીય સુરક્ષા દળો, ચેતક કમાન્ડો, સીઆઈએસએફ, ક્વિક રિસ્પોન્સ ટીમ જામનગર, જિલ્લા વહીવટી તંત્ર, વિશેષ કાઉન્ટર ટેરરિઝમ ટીમો, જિલ્લા પોલીસ તેમજ અન્ય સંબંધિત વિભાગોએ સંકલિત રીતે ભાગ લીધો હતો. આ અંગે ચર્ચા અને સમીક્ષા કરવા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તથા એન.એસ.જી.ના કમાન્ડોની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે લગત વિભાગોની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન મોકડ્રિલ દરમિયાન હાથ ધરાયેલી કાર્યવાહી, વિભાગો વચ્ચેનું સંકલન, સમયસર પ્રતિસાદ અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. રવિ મોહન સૈની, ઇન્સીડન્ટ કમાન્ડરોશ્રી, ચેતક કમાન્ડો, રિલાયન્સના પ્રતિનિધિશ્રી તથા એન.એસ.જી. કમાન્ડો અને અન્ય અધિકારીશ્રીઓએ મોકડ્રીલને લઈને પોતાના અનુભવો, સારી કામગીરી અને લર્નિંગ પોઈન્ટ્સ જણાવ્યા હતા.
બેઠકમાં જિલ્લા પોલીસ અધીક્ષક ડો.રવિ મોહન સૈનીએ ભવિષ્યમાં વધુ સુદ્રઢ આયોજન, તાલીમ અને ટેકનિકલ સુધારાઓ માટે સૂચનો આપ્યા હતા. તેમજ વિવિધ વિભાગોને નિયમિત તાલીમ અને આંતરિક સમન્વય મજબૂત બનાવવાની સૂચના આપી હતી. જામનગર જિલ્લામાં યોજાયેલી આ રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રિલ દ્વારા તંત્રોની તૈયારીઓ અને ક્ષમતા વધુ મજબૂત બની હોવા અંગે તેઓએ જણાવ્યું હતું.
એન.એસ.જી.ના કમાન્ડરો જીતેન્દ્ર શુક્લ અને લક્ષ્ય જૈને જણાવ્યું હતું કે, જિલ્લામાં વિવિધ વિભાગો અને ટીમો વચ્ચે ઉત્તમ સંકલન જોવા મળ્યું અને ઘટના સ્થળે તાત્કાલિક પ્રતિસાદ આપવાની ક્ષમતા નોંધપાત્ર રહી. મોકડ્રિલ દરમિયાન સુરક્ષા એજન્સીઓએ નિર્ધારિત પ્રોટોકોલ મુજબ કામગીરી બજાવી હતી. સંભવિત આતંકી હુમલાની પરિસ્થિતિમાં બચાવ અને રાહત કામગીરી, ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર, વિસ્તારનું સીલિંગ અને ટ્રાફિક વ્યવસ્થાપન જેવી કામગીરી સમયસર પૂર્ણ કરવામાં આવી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, દરેક ટીમો પાસે જરૂરિયાતની તમામ વસ્તુઓ, અત્યાધુનિક તમામ સાધનો તથા પરિસ્થિતિને કાબુમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર હતા.

