આયોજિત શિક્ષણ પે ચર્ચા કાર્યક્રમમાં સહભાગી બન્યા રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ 

     રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ આજે જૂનાગઢ આયોજિત શિક્ષણ પે ચર્ચા કાર્યક્રમમાં સહભાગી બની વિદ્યાર્થીનીઓની પરીક્ષાલક્ષી મૂંઝવણો અને તનાવ દૂર કરવા માટે પ્રેરક માર્ગદર્શન કર્યું હતું. 

જૂનાગઢ શહેરની આર. જે. કનેરીયા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચુલ વર્ચ્યુઅલ માધ્યમથી પરીક્ષા સંદર્ભે પ્રેરણાદાયી માર્ગદર્શન કરવાની સાથે માનવ જીવનને વધુ ઉન્નત બનાવવા માટે તલસ્પર્શી બાબતોને વણી લઇ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને પ્રેરક સંબોધન કર્યું હતું.

રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ પણ વિદ્યાર્થીઓનો ઉત્સાહવર્ધન કરવાની સાથે વિદ્યાર્થીનીઓ સાથે મુક્તમને સંવાદ સાધ્યો હતો, અને વિદ્યાર્થીઓના મનમાં રહેલા પ્રશ્નોને વ્યવહારૂ રીતે ઉકેલ આવે તે માટે માર્ગદર્શન કર્યું હતું. 

તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓમાં રહેલી સુશુપ્ત અને ક્ષમતાઓ બહાર લાવવી તે જ સાચું શિક્ષણ છે, સાથે જ તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસકાળ દરમિયાન અભ્યાસ પર જ ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું, ઉપરાંત પરીક્ષાના સંદર્ભમાં ખાસ દરેક વિષયના કોન્સેપ્ટ સમજી અને ત્યાર પછી તેનું રિવિઝન કરવાથી પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરી શકાય છે. 

તેમણે કોઈપણ વિષયને અઘરો માનવો નહીં પરંતુ, મગજને તે વિષયને શીખવા માટે કેળવવો કે કમાન્ડ આપવો જોઈએ, જેથી વિષયમાં નિપુણતા હાંસલ કરી શકાય છે. તેમણે કોઈ શોખને ઉજ્જ્વળ કારકિર્દી તરીકે ઘડતર કરવા માટે પણ માર્ગદર્શન કર્યું હતું.

તેમણે એમ પણ કહ્યું કે, કોઈ એક પ્રશ્નપત્ર દ્વારા તમારી પ્રતિભાનુ મૂલ્યાંકન થતું નથી, ખરેખર જીવનલક્ષી શિક્ષણ અને સર્વાંગી વિકાસથી જ સાચી સફળતા પ્રાપ્ત થતી હોય છે. ઉપરાંત કોઈપણ વિષયમાં નિપુણતા હાંસલ કરવાથી પણ સફળતા નિશ્ચિતપણે મળે છે.

કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવાથી જ સાચી ક્ષમતાઓ બહાર આવે છે, તેમાં પણ દીકરીઓમાં પરિસ્થિતિને સંવેદનશીલતા સાથે આત્માસાત કરવાનો વિશેષ ગુણ પણ કુદરતી રીતે રહેલો છે. તેમણે શિક્ષણ અને નવું શીખવાના સંદર્ભમાં વિદ્યાર્થીઓને નદીઓના નીરની જેમ સતત વહેતા રહેવું જોઈએ, એટલે કે બંધીયાર ન બનતા નવા વિચારોને આવકારવા જોઈએ અને સ્કિલ અને નોલેજને સતત અપડેટ પણ કરતું રહેવું જોઈએ. 

તેમણે વિદ્યાર્થીઓને રસપ્રદ રીતે જ્ઞાન પ્રાપ્તિ માટે જિજ્ઞાસા કેળવવા માટે પણ ઉદાહરણ સહિત માર્ગદર્શન કર્યું હતું, આ સાથે તેમણે વિદ્યાર્થીનીઓને પેકેટિંગ કે જંકફૂડથી દૂર રહી પોષણક્ષમ આહાર લેવા માટે અને ખાનપાનમાં વિશેષ સતર્કતા દાખવવા માટે જણાવ્યું હતું. ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ જેવા નવા આયામો સંદર્ભે પણ વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કર્યું હતું.

આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને ઉજ્જ્વળ કારકિર્દી ઘડવાની સાથે તેનો એક હિસ્સો દેશને વધુ ઉન્નત બનાવવા માટે પણ ખર્ચ કરવો જોઈએ, જીવનમાં કોઈ પણ પરિપૂર્ણ હોતું નથી પરંતુ સતત ક્ષતિઓ ઉપર કામ કરીને નિપુણ બનવું જોઈએ. આ સાથે તેમણે મૂલ્ય અને સંસ્કાર આધારિત શિક્ષણ પર પણ ભાર મૂક્યો હતો. 

આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ પણ શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમથી વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓનો પરીક્ષાલક્ષી માનસિક તણાવ અને અવઢવની સ્થિતિ ચર્ચાના માધ્યમથી દૂર થાય છે. આ સાથે તેમણે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાનો પણ વિશેષ આદર સત્કાર કર્યો હતો. 

આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાને જિલ્લા વહીવટી તંત્ર મહાનુભાવો અને સંસ્થાની વિદ્યાર્થીનીઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેર પર્સન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમાર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય, સંસ્થાના ટ્રસ્ટના પ્રમુખ સવજીભાઈ મેનપરા, જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી રતિભાઈ મારડિયા ટ્રસ્ટી કિશોરભાઈ મેંદપરા, પ્રિન્સિપાલ શ્રીમતી સંગીતાબેન મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment