વેસ્ટમાંથી બેસ્ટના સર્જક અને રાજ્યશ્રમભૂષણ પ્રકાશભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

       કહેવાય છે કે ‘અનુભવ એ સૌથી મોટી પાઠશાળા છે.’ આ વાક્યને ગાંધીનગરના ખાત્રજ સ્થિત અરવિંદ લિમિટેડ કંપનીના કર્મનિષ્ઠ શ્રમયોગી પ્રકાશભાઈ પરષોત્તમભાઈ પટેલે સાર્થક કરી બતાવ્યું છે. ટેક્ષ્ટાઈલ ઉદ્યોગમાં ૨૦ વર્ષના લાંબા અનુભવના ભાથા સાથે તેમણે કંપનીને માત્ર આર્થિક નફો જ નથી કરાવ્યો, પરંતુ પર્યાવરણના જતનમાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું છે.

 ‌ સામાન્ય રીતે ટેક્ષ્ટાઈલ ઉદ્યોગમાં કાચા માલનો બગાડ એક મોટી સમસ્યા ગણાય છે. પ્રકાશભાઈએ પોતાની દીર્ઘદ્રષ્ટિથી આ વેસ્ટેજને અટકાવવા માટે ‘રાઈટ એંગલ સિસ્ટમ’ વિકસાવી.

 તેમણે આખી પ્રક્રિયાને તેમના સ્ટાફ અને કંપનીના સહયોગ થકી ડિજિટલ અને ઓનલાઈન માધ્યમ સાથે જોડી, જેથી મટિરિયલના વપરાશ પર સચોટ દેખરેખ રાખી શકાય.

જે મટિરિયલ અગાઉ નકામું ગણીને ફેંકી દેવામાં આવતું હતું, તેને આ સિસ્ટમ દ્વારા ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવું એટલે કે Reusable બનાવ્યું. આ નવીન પદ્ધતિને કારણે કંપનીના ઉત્પાદન ખર્ચમાં મોટો ઘટાડો થયો અને આર્થિક નફામાં ધરખમ વધારો જોવા મળ્યો.

     પ્રકાશભાઈની આ અપ્રતિમ કામગીરી અને શ્રમ પ્રત્યેની તેમની નિષ્ઠાની નોંધ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી અને તેમને ગુજરાત રાજ્યના ‘રાજ્ય શ્રમ પારિતોષિક સમારોહ’ અંતર્ગત પ્રતિષ્ઠિત ‘રાજ્યશ્રમભૂષણ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

આ સન્માન માત્ર એક વ્યક્તિનું નથી, પરંતુ એ દરેક શ્રમયોગીનું છે, જે પોતાની મહેનત અને બુદ્ધિશક્તિથી ઉદ્યોગ જગતને નવી દિશા આપે છે.

પ્રકાશભાઈ પટેલની આ સિદ્ધિ દર્શાવે છે કે, જો કામ પ્રત્યે સમર્પણ અને કંઈક નવું કરવાની તમન્ના હોય, તો સામાન્ય શ્રમયોગી પણ અસામાન્ય પરિવર્તન લાવી શકે છે.

આ એક ઉદાહરણ છે કે,આવડત અને અનુભવનો સમન્વય થાય ત્યારે સફળતા કદમ ચૂમે છે. 

 પ્રકાશભાઈની આ સાફલ્ય ગાથા સાબિત કરે છે કે, જો કામ પ્રત્યે સમર્પણ હોય તો એક સામાન્ય શ્રમયોગી પણ પોતાના સંશોધન દ્વારા ઉદ્યોગ જગતમાં ક્રાંતિ લાવી શકે છે. અરવિંદ લિમિટેડના મેનેજમેન્ટ અને સાથી કર્મચારીઓએ પણ તેમની આ સિદ્ધિને ગૌરવ સાથે વધાવી લીધી છે.

આ અંગે પ્રકાશભાઈ પટેલ જણાવે છે કે,”મેં હંમેશા એ વિચાર્યું કે જે મટિરિયલ વેસ્ટ જાય છે તેને કેવી રીતે બચાવી શકાય. ૨૦ વર્ષના અનુભવે મને રાઈટ એંગલ સિસ્ટમ બનાવવાની પ્રેરણા આપી. આ એવોર્ડ મારી મહેનત અને કંપનીના સહકારનું પરિણામ છે.”

Related posts

Leave a Comment