છોટાઉદેપુરમાં DAY-NRLM અંતર્ગત આદિવાસી અતિથિ ગૃહ ઉદ્ઘાટન કરતા તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

     DAY-NRLM (દીનદયાલ અંત્યોદય યોજના – નેશનલ રૂરલ લાઇવલિહૂડ મિશન) અંતર્ગત ગ્રામિણ વિસ્તારમાં સ્વસહાય જૂથોને આર્થિક રીતે સશક્ત બનાવવા તથા ટકાઉ રોજગારની તક ઉપલબ્ધ કરવાના હેતુસર છોટાઉદેપુર તાલુકામાં આદિવાસી અતિથિ ગૃહની શરૂઆત કરવામાં આવી છે. તાલુકા પંચાયત પ્રમુખશ્રી કલ્પનાબેન રાઠવાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

તાલુકા પંચાયત કચેરી છોટાઉદેપુર તથા આશુતોષ સખી મંડળના સહયોગથી જનરલ હોસ્પિટલ સામે આદિવાસી અતિથિ ગૃહની સ્થાપના કરવામાં આવી છે. આ અતિથિ ગૃહનો મુખ્ય હેતુ છોટાઉદેપુર જિલ્લામાં સારવાર અર્થે આવતા દર્દીઓ તથા તેમના સગાઓ તેમજ જિલ્લામાં મુલાકાતે આવતા સામાન્ય મુલાકાતીઓને નજીવા દરે સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધાસભર રહેઠાણ ઉપલબ્ધ કરાવવાનો છે. 

અતિથિ ગૃહનું સંચાલન આશુતોષ સખી મંડળ દ્વારા કરવામાં આવશે, જેના પરિણામે DAY-NRLM યોજના સાથે જોડાયેલા સ્વસહાય જૂથની મહિલાઓને નિયમિત આવક અને સ્વરોજગારની તક પ્રાપ્ત થશે. આ પહેલ મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને સામાજિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

આ પ્રસંગે પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારણભાઈ રાઠવા, તાલુકા વિકાસ અધિકારી દીપકભાઈ ચૌધરી, જિલ્લા લાઇવલીહૂડ મેનેજર કેતનભાઈ પંડિત સહિત DAY-NRLM યોજના અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment