હિન્દ ન્યુઝ, સુરત
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ગુજરાતમાં મજબૂત પાયો નાખવામાં આવ્યો હતો. રાજ્યમાં અગાઉ ૧૦ વાઇબ્રન્ટ સમિટના સફળ આયોજન બાદ રાજ્ય સરકારે પ્રથમવાર ગુજરાતના ચાર ઝોનમાં “વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસ”નું આયોજન કર્યું છે.
આ આયોજનના ભાગરૂપે સુરત ખાતે આગામી તા. ૯ અને ૧૦ એપ્રિલ-૨૦૨૬ના રોજ દક્ષિણ ગુજરાત ઝોનની ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ’નું આયોજન કરવામાં આવશે. આ ઝોનમાં તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સુરત ખાતે યોજાનાર બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ દરમિયાન વિવિધ વિષયો પર સેમિનારો, B2B અને B2G બેઠકો, પ્રદર્શનો વગેરે બહુ આયામી આયોજનો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત કોન્ફરન્સના બીજા દિવસે એટલે કે, તા. ૧૦ એપ્રિલ, ૨૦૨૬ના રોજ ‘MSME કોન્કલેવ’નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માહિતીસભર સેમીનાર, પેનલ ડીસ્કશન, એક્ઝીબિશન તથા વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમો પણ યોજવામાં આવશે.
