હિન્દ ન્યુઝ, પંચમહાલ
બાળ લગ્ન એક ગંભીર સામાજિક કુરિવાજ છે, જેમાં 18 વર્ષથી ઓછી ઉંમરની બાળકી અને 21 વર્ષથી ઓછી ઉંમરના યુવકના લગ્ન કરવામાં આવે છે, જે કાયદાકીય ગુનો છે. બાળ લગ્ન બાળકના સ્વાસ્થ્ય, શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે અત્યંત હાનિકારક છે. નાની ઉંમરે લગ્ન થવાથી ગર્ભાવસ્થા દરમિયાન બાળકીના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. વૈજ્ઞાનિક રીતે 20 થી 30 વર્ષની ઉંમર માતૃત્વ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, જ્યારે વહેલા લગ્ન માતૃત્વને જોખમી બનાવી શકે છે.
બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ–2006 મુજબ બાળ લગ્ન કરનાર માતા-પિતા તથા તેમાં સહાય કરનાર વ્યક્તિઓને બે વર્ષ સુધીની કેદ તથા રૂ. 1 લાખ કે તેથી વધુ દંડની જોગવાઈ કરવામાં આવી છે.
ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં બાળ લગ્નની સમસ્યાને નાબૂદ કરવા માટે કાયદાકીય કાર્યવાહી સાથે સામાજિક જાગૃતિ વધારવાના હેતુથી બાળ વિવાહ મુક્તિ રથનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં માનનીય કલેક્ટર, નાયબ ડીવાયએસપી, જિલ્લા શિક્ષણ અધિકારી, CWC ચેરમેન, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, મહિલા અને બાળ અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર, ગ્રામ વિકાસ ટ્રસ્ટ, કૈલાશ સત્યાર્થી ચિલ્ડ્રન્સ ફાઉન્ડેશનના સ્ટાફ, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા શી-ટીમ તથા AHTU સ્ટાફ હાજર રહી જનજાગૃતિ માટે માર્ગદર્શન આપ્યું હતું.
