કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને જિલ્લા તાલીમ ભવન, ખરેડી ખાતે બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

હિન્દ ન્યુઝ, દાહોદ

    દાહોદ જિલ્લામાં દાહોદ તાલુકામાં કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને જિલ્લા તાલીમ ભવન, ખરેડી ખાતે જિલ્લા કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર તેમજ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા પણ ઉપસ્થિત રહ્યા હતા. 

આ દરમ્યાન મંત્રી રમેશભાઈ કટારાએ ભારત માતાનો જયઘોષ બોલાવી પ્રાસંગિક ઉદબોધન આપતાં કહ્યું હતું કે, બાળકોને જો મનગમતું શિક્ષણ અથવા રમત મળી જાય તો તેઓ મનથી તે કાર્ય કરે છે, જેથી એ વિષયમાં એ આગળ વધે છે. પરંતુ, જે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ ઓછો છે ત્યાં શિક્ષકોનું કાર્ય, મહેનત અને જવાબદારી વધુ માંગી લે છે. 

વિદ્યાર્થીઓને આગળ લઇ જવા માટે શિક્ષકોએ પુશ કરવું પડે છે. તેમનામાં રહેલી શક્તિને બહાર લાવવા તેમજ વિદ્યાર્થી આગળ જતા ક્યાય પાછો ન પડે એ માટે શારીરિક – માનસિક રીતે તૈયાર કરનાર શિક્ષકોની ભૂમિકા ઘણી અગત્યની છે. વધુમાં એમણે વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું હતું કે, તમામ બાળકો તમામ વિષયો તેમજ પ્રવૃતિઓમાં ભાગ લઇ પોતાની આંતરિક શકિતને ઉજાગર કરે અને દાહોદ જિલ્લા સહિત શાળા અને પોતાના પરિવારનું નામ પણ રોશન કરી પોતાનું ભાવી સુનિશ્ચિત કરે. 

આ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરએ વિવિધ મહાનુભાવોના ઉદાહરણો આપતાં જણાવ્યું હતું કે, બાળકોએ આવી નાની-મોટી પ્રવૃતિઓ કરતા જઈને જ આગળ વધવાનું છે. નાની-નાની બાબતોમાં પણ ઘણું શીખવા મળતું હોય છે, તેને અવગણ્યા વગર સતત અને સખત મહેનત કરતાં રહેશો અને રસ દાખવીને શીખશો તો ચોક્કસ પણે આગળ વધી શકશો. એમ કહેતા એમણે બાળ વૈજ્ઞાનિકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાએ પોતાના શાળા સમયના અંગત અનુભવો સૌ સમક્ષ રજુ કરતાં કહ્યું હતું કે, કોઇપણ બાળકને સાચો માર્ગ બતાવનાર જો કોઈ ગુરુ કે શિક્ષક મળી જાય તો એ બાળક ઊંચાઈઓને આંબી શકે છે. બાળકોમાં શરારત હોવી એ બાળ સહજ છે, પરંતુ એને કઈ દિશા તરફ વાળવું એ શિક્ષકોના હાથમાં છે. બાળકોની પ્રતિભા-સર્જનાત્મકતા-આંતરિક શકિતને ઉજાગર કરવા માટે શિક્ષકોની ભૂમિકા મહત્વની અને જવાબદારીવાળી હોય છે. 

વધુમાં એમણે કહ્યું હતું કે, આપણે બાળકોને વાંચન-લેખન-ગણનથી ઉપર ઉઠીને બ્રેઈન ડેવલપમેંટ કરવા તરફ આગળ લઇ જવાના છે. આ જ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ ૨૦૪૭ માં ભારતને વિકસિત ભારત બનાવવા માટે આપણે આપણા તરફથી ફાળો આપી શકીશું. જેમાં શિક્ષકોનો મુખ્ય રોલ હોય છે. તેમનો ફાળો,જવાબદારી, દિશાસૂચન અને દિશાનિર્દેશ ખુબ જ મહત્વની હોય છે. એમ કહેતાં એમણે બાળ વિજ્ઞાન મેળાનો હેતુ અનેક ઉદાહરણો આપી સમજાવ્યો હતો. 

કાર્યક્રમના અંતે મંત્રી રમેશભાઈ કટારા સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવોના હસ્તે વિજ્ઞાન મેળાનો શુભારંભ કરીને સૌએ વિજ્ઞાન મેળાની મુલાકાત લઈને સૌ બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ દરમ્યાન ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશભાઈ માવી, ડાયટ પ્રાચાર્ય આર.જે.મુનિયા, ડાયટ સ્ટાફ, સી.આર.સી.ઓ, બી.આર.સી.ઓ, ટી.પી.ઈ.ઓ.ઓ, શાળાઓના આચાર્યઓ, બાળ વૈજ્ઞાનિકોના માર્ગદર્શક એવા શિક્ષકશ્રીઓ, અન્ય પદાધિકારીઓ-અધિકારીઓ સહિત શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment