મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રી મંડળમાં સામેલ નાયબ મુખ્યમંત્રી તથા મંત્રીઓની શપથવિધિ સંપન્ન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

      રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રીમંડળમાં નવા સમાવિષ્ટ થયેલા નાયબ મુખ્યમંત્રી તથા મંત્રીઓને હોદ્દા અને ગોપનિયતાના શપથ ગ્રહણ કરાવ્યાં હતાં. 

     આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલ સમક્ષ નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી તથા રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના 5 અને રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતાં 3 તથા રાજ્ય કક્ષાના 12 પદનામિત મંત્રીઓએ ઈશ્વરના નામે શપથ લીધાં હતાં. 

     કેબિનેટ મંત્રી તરીકે જીતેન્દ્રભાઈ વાઘાણી, નરેશભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢવાડીયા, ડૉ. પ્રદ્યુમ્નભાઇ વાજા અને રમણભાઈ સોલંકીએ હોદ્દો અને ગુપ્તતાના શપથ લીધા હતા.

     રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) ધરાવતા મંત્રી તરીકે ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ્લ ભાઇ પાનસેરીયા તથા શ્રીમતી મનિષા વકીલે શપથ ગ્રહણ કર્યા હતાં. 

      જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે કાંતિલાલ અમૃતિયા, રમેશભાઈ કટારા, શ્રીમતી દર્શનાબહેન વાઘેલા, કૌશીકભાઈ વેકરીયા, પ્રવિણકુમાર માળી, ડૉ. જયરામભાઈ ગામીત, ત્રિકમભાઈ છાંગા, કમલેશભાઈ પટેલ, સંજયસિંહ મહિડા, પી.સી. બરંડા, સ્વરૂપજી ઠાકોર અને શ્રીમતી રિવાબા જાડેજાએ રાજ્યપાલ સન્મુખ શપથ ગ્રહણ કર્યા હતાં.  

     મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના કેબિનેટ મંત્રીઓ સર્વ કનુભાઈ દેસાઈ, ઋષિકેશભાઈ પટેલ, કુંવરજી ભાઇ બાવળીયા તથા રાજ્યકક્ષાના પરષોત્તમભાઈ સોલંકીને આ નવા મંત્રીમંડળમાં યથાવત રાખવામાં આવ્યાં છે.

      આ શપથ વિધિ સમારોહમાં ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જગતપ્રકાશ નડ્ડા, ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી સર્વ મનસુખ માંડવીયા, સી. આર. પાટીલ, સાંસદઓ, ધારાસભ્યઓ, સંગઠનના પદાધિકારીઓ, વરિષ્ઠ અગ્રણીઓ, સાધુ સંતો અને સમાજના વિવિધ વર્ગોના અગ્રણીઓ તથા અધિક મુખ્ય સચિવઓ, અગ્ર સચિવઓ, પોલીસ મહાનિદેશક તેમજ વિશાળ સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

      મુખ્ય સચિવ પંકજ જોષીએ આ શપથવિધિ સમારોહનું સંચાલન કર્યું હતું. 

Related posts

Leave a Comment