હિન્દ ન્યુઝ, દાહોદ
ગુજરાતની ૨૪ વર્ષની અવિરત વિકાસ યાત્રાને જન-જનમાં ઉજાગર કરવાના શુભ સંકલ્પ સાથે રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઊજવણી થઈ રહી છે, ત્યારે વડોદરા જિલ્લામાં આ ઊજવણી અંતર્ગત સપ્તાહના ચોથા દિવસે શિનોર તાલુકામાં વિકાસ રથે પરિભ્રમણ કર્યું હતું. સવારે ઉતરાજ, બપોરે માલપુર બાદ રાત્રે આનંદી ગામ ખાતે વિકાસ રથનું આગમન થયું હતું. કરજણના નાયબ કલેક્ટરશ્રી શિવમ બારીયાએ રથનું સ્વાગત કર્યું હતું, ત્યારબાદ અહીં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
કાર્યક્રમની પ્રારંભિક ઔપચારિકતા બાદ સૌએ વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા ૨૪ વર્ષમાં ગુજરાતે પ્રાપ્ત કરેલ સીમાચિહ્નરૂપ સિદ્ધિઓને વર્ણવતી ટૂંકી ફિલ્મ નિહાળી હતી. સાથે જ ઉપસ્થિત સૌ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લઈને વિકસિત ભારતના સંકલ્પ સાથે રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા સંકલ્પબદ્ધ થયા હતા.
કાર્યક્રમ દરમિયાન રાત્રિ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોક સમસ્યા, રજૂઆત અને પ્રશ્નોના નિકાલ માટે અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ સીધો સંવાદ કર્યો હતો. નાયબ કલેક્ટરશ્રીએ ગ્રામજનોની સ્થાનિક સમસ્યાઓના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
વિકાસ રથ થકી આનંદી ગામના ગ્રામજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓની જાણકારી મળી હતી. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં આયુષ્યમાન કાર્ડ, આંગણવાડી કેન્દ્રો પર ધાત્રી માતાને પોષણ યુક્ત આહારના પેકેટ, તથા આવાસ યોજના હેઠળ આવાસ લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા. તદુપરાંત, આ અવસરે વિવિધ યોજનાઓના લાભાર્થીઓ દ્વારા વ્યક્તિગત પ્રતિભાવો વ્યક્ત કરવામાં આવ્યા હતા.
આ સાથે જ કાર્યક્રમ સ્થળના પરિસરમાં આઈ. સી. ડી. એસ. શાખા તરફથી પોષણ જાગૃતિ માટે સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા હતા. તથા આરોગ્ય શાખા દ્વારા મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી જૈમિના બેન પટેલ ગામના સરપંચ અને ઉપસરપંચ સહિતના હોદ્દેદારો, સ્થાનિક અગ્રણીઓ, તાલુકા વહીવટી તંત્રના કર્મયોગીઓ, આંગણવાડી કાર્યકરો, આરોગ્ય શાખાના કર્મયોગીઓ, બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
