દીકરીઓની સરકારે કરી દરકાર-દરેક દીકરી ભણી-ગણી આગળ વધે એ માટે મક્કમ આપણી સરકાર

હિન્દ ન્યુઝ, દાહોદ

    ભારત સરકારની નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ માં સમાન અને સર્વસમાવેશક શિક્ષણ પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. આ સાથે ખાસ દીકરીઓ શિક્ષિત બને તે માટેની કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની યોજનાઓ પણ મહત્વપૂર્ણ રહી છે. તેવી જ એક યોજના એટલે ‘નમો લક્ષ્મી યોજના’. એ સાથે જો દીકરી વિજ્ઞાન પ્રવાહમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરે તો તેમને નમો સરસ્વતી યોજના હેઠળ રૂ. ૨૫,૦૦૦ ની સહાય પણ મળવાપાત્ર છે.

વર્ષ ૨૦૨૪માં ગુજરાત સરકાર દ્વારા લક્ષ્મી સ્વરૂપા લાડલી દીકરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણ માટે ‘નમો લક્ષ્મી યોજના’ની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી પહેલ છે. જેને પગલે દાહોદ જિલ્લામાં ‘નમો લક્ષ્મી યોજના’ અન્વયે ૩૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થિનીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી શિક્ષણમાં આર્થિક સહાયનું વિતરણ કરવામાં આવશે. 

સમગ્ર રાજ્યમાં અને તેમાય આપણા દાહોદ જિલ્લામાં દીકરીઓ ધોરણ ૮ બાદ શાળાકીય શિક્ષાથી વંચિત ન રહે ઉપરાંત ધોરણ ૯ મા ડ્રોપઆઉટ રેશિયો ઘટે તે માટે આ યોજના મહત્વપૂર્ણ સાબિત થઇ રહી છે. અહી, માતાપિતા બહારગામ કામ અર્થે જવાથી અનેકો વિદ્યાર્થીનીઓ-વિદ્યાર્થીઓનો અભ્યાસ અટકી જતો હોય છે, અથવા તો એ કારણોસર ડ્રોપ આઉટ રેશિયો વધી જાય છે, જેથી કરીને વિદ્યાર્થીઓના અભ્યાસ પર નકારાત્મક અસર વર્તાય છે.

ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના માટે કુલ રૂ. ૧૨૫૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ધોરણ ૯ અને ૧૦માં અભ્યાસ કરતી કિશોરીઓને રૂ. ૨૦,૦૦૦ ની આર્થિક શિક્ષા સહાય પુરી પાડવામાં આવે છે. ઉપરાંત ધોરણ ૧૧ અને ૧૨ માટે કુલ રૂ. ૩૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે. આમ, વિદ્યાર્થિની ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધીમાં કુલ મળીને રૂ. ૫૦ હજારની સહાય ચૂકવવામાં આવે છે. 

આ લાભ વાર્ષિક આવક રૂ. ૬ લાખ કે તેથી ઓછી હોય એ પરિવારની દીકરીઓને મળવાપાત્ર છે. સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આ લાભ મળવાપાત્ર છે. દીકરી તો એકસાથે બે કુળને તારે છે. ૨૧મી સદી એ જ્ઞાનની સદી છે. ત્યારે દીકરીઓ શિક્ષિત બને તે જરૂરી નહીં પણ અનિવાર્ય છે. તેજ ગતિથી આગળ ધપતી દુનિયામાં દીકરીઓ શિક્ષિત બનીને સશક્ત બનશે તો તે સમાજના સશક્તિકરણમાં પણ મહત્વની જવાબદારીઓ નિભાવશે. 

આ યોજના વિષયક વધુ વિગતો જાણવા માટે ગુજરાત સરકારની વિશેષ પહેલ ‘મારી યોજના’ પોર્ટલ https://mariyojana.gujarat.gov.in/ પરથી જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. રાજ્ય સરકારની ‘નમો લક્ષ્મી યોજના’ સહિતની શિક્ષણલક્ષી યોજનાઓના લીધે હવે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારની દીકરીઓ પણ શાળાકીય શિક્ષણ પૂર્ણ કરી શકશે અને સશક્ત બની શકશે. આમ, સરકાર દ્વારા વંચિતોના વિકાસની વાત પર પણ ભાર આપવામાં આવ્યો છે. આ અન્વયે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષાને વધુ પ્રોત્સાહન કરવા માટે આર્થિક શિક્ષા સહાય કરવામાં આવી રહી છે.

Related posts

Leave a Comment