હિંમતનગર ખાતે પોષણ ઉત્સવ- 2025 અંતર્ગત જિલ્લાકક્ષાની ટેક હોમ રાશન અને મીલેટમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ

પોષણ ઉત્સવ- 2025

હિન્દ ન્યુઝ, હિંમતનગર  

     સાબરકાંઠા જિલ્લામાં આઈ.સી.ડી.એસ,મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત પોષણ ઉત્સવ- 2025 અંતર્ગત જિલ્લાકક્ષાનો ટેક હોમ રાશન અને મીલેટ (શ્રી અન્ન) માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધા મહિલા બાળ વિકાસ સમિતિ ચેરમેન લીનાબેન નિનામા તેમજ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાઈ હતી.

આ કાર્યક્રમમાં મહિલા બાળ વિકાસ સમિતિ ચેરમેનશ્રી લીનાબેન નિનામાએ જણાવ્યું હતું કે દરેક ઘરમાં પોષણયુક્ત ભોજન તૈયાર થાય, દરેક બાળક કુપોષણમુક્ત બને અને સાબરકાંઠો ‘સ્વસ્થ જિલ્લો’ તરીકે ઓળખાય તે માટે આપણે સૌ મળીને પ્રયત્ન કરવો પડશે.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, “સંતુલિત અને પૌષ્ટિક આહાર જ આરોગ્યનું સાચું મૂલ્ય છે. બાળકોમાં પોષણની ખામી દૂર કરવા માટે મીલેટ અને ટેક હોમ રાશન અત્યંત અસરકારક છે. ”મીલેટને આપણા રોજિંદા આહારમાં સ્થાન આપવું એ આજની સૌથી મોટી જરૂરિયાત છે.પોષણ એક સામૂહિક ચળવળ છે જેમાં સમાજના દરેક વર્ગની ભાગીદારી જરૂરી છે.

કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરીયાએ જણાવ્યું હતું કે પોષણ માત્ર મહિલાઓની જ નહીં પરંતુ પુરુષોની પણ જવાબદારી છે. ઘરગથ્થુ જીવનમાં પુરુષોનો સહકાર મળશે તો પરિવાર વધારે પોષણયુક્ત અને સ્વસ્થ બની શકશે.

 આ કાર્યક્રમ દરમિયાન આંગણવાડીની બહેનો દ્વારા મિલેટ તેમજ ટીએચઆર માંથી વિવિધ વાનગી સ્પર્ધામાં વિજેતા થયેલ આંગણવાડી બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ પોષણ અંગે શપથ લેવામાં આવ્યા હતા.

 આ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ એજન્સી નિયામક કે પી પાટીદાર, આઈ સી ડી એસ પ્રોગ્રામ ઓફિસર અલ્પાબેન સોલંકી, વિવિધ અમલીકરણ અધિકારીઓ, કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. 

Related posts

Leave a Comment