કલેકટર કેતન ઠક્કર અને કમિશ્નર ડી.એન. મોદીની અધ્યક્ષતામાં “ગણેશચતુર્થી” તથા “નેશનલ સ્પોર્ટ્સ ડે” અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર

     જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કર અને મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદીની અધ્યક્ષતામાં “ગણેશચતુર્થી” તથા “નેશનલ સ્પોર્ટ્સ ડે” ને અનુલક્ષીને મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ફરન્સ હોલમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. 

મ્યુનિસિપલ કમીશ્નરે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગણેશચતુર્થીના તહેવારને અનુલક્ષીને તેમજ રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય અને પરંપરાગત લોકસંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતા-૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સિવાયનાં જામનગર સહીત ૨૯ જિલ્લા મથક ખાતે ગણપતિ ઉત્સવ દરમ્યાન શહેરમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી તેમજ ૫(પાંચ) આશ્વાસન પુરસ્કારોની પસંદગી કરી તેઓને રાજ્ય સરકાર દ્વારા રોકડ પુરસ્કાર આપવામાં આવશે. રાજ્યનાં ૨૯ જિલ્લાઓમાંથી પસંદગી પામેલ પંડાલોમાંથી ૧ થી ૩ ક્રમે આવેલ ગણેશ પંડાલનાં વિજેતાઓને ગુજરાત સરકાર તરફથી પ્રથમ ક્રમે વિજેતાને રૂ.૫લાખ, દ્વિતીય ક્રમે વિજેતાને રૂ.૩લાખ, તૃતીય ક્રમે વિજેતાને રૂ.૧લાખ ૫૦ હજાર રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તેમજ અન્ય પાંચ ગણેશ પંડાલને પ્રોત્સાહન પેટે દરેકને રૂ.૧લાખ રોકડ પુરસ્કાર આપવામાં આવશે. 

શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં ભાગ લેવા ઈચ્છુક જામનગરના લોકોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળે, રૂમ નં.૪૨, જામનગર ખાતેથી ફોર્મ મેળવી તા.૨૮/૦૮/૨૦૨૫ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં પરત કરવાના રહેશે. 

આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા.૨૭-૮-૨૦૨૫ થી તા.૭-૯-૨૦૨૫ સુધી શ્રી ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. જેમાં શહેરના પ્લોટ નં.૯૮, હોટલ વિશાલ ઈન્ટરનેશનલ પાછળ તથા સરદાર રિવેરા, રણજીતસાગર રોડ લાલપુર બાયપાસ પાસે કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવામાં આવશે.

Related posts

Leave a Comment