હિન્દ ન્યુઝ, જામનગર
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના વોર્ડ નં.૧૧માં આવેલ ગોકુલધામ સોસાયટી (વિભાપર)ના કોમન પ્લોટમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. લોકભાગીદારી સ્કીમ અંતર્ગત ધારાસભ્યશ્રી તથા કોર્પોરેટરની ગ્રાન્ટ માંથી અંદાજિત રૂ.૧૦ લાખના ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવશે.
આ ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે સોસાયટીમાં આવેલ કોમન પ્લોટમાં પેવર બ્લોકની કામગીરી થવાથી લોકો ધાર્મિક, સામાજિક પ્રસંગો સહિત અન્ય રીતે પ્લોટ ઉપયોગમાં લઈ શકશે. લોકોને ઘર આંગણે જ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે પ્રકારે સરકાર હંમેશા કાર્યરત રહે છે. આ સુવિધા આપવા બદલ સોસાયટીના રહેવાસીઓએ પણ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં વોર્ડ નં.૧૧ ના કોર્પોરેટરો તપનભાઈ પરમાર, હર્ષાબેન વિસરોદીયા, અગ્રણી કુમારપાળસિંહ રાણા, આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
