હિન્દ ન્યુઝ, બનાસકાંઠા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર નડાબેટ-સુઈગામ ખાતે આયોજિત સમારોહમાં આરોગ્ય, શિક્ષણ, વીજ પુરવઠો, રોડ-રસ્તા તેમજ શહેરી વિકાસને લગતા ₹55.68 કરોડના 19 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ તથા ₹302.69 કરોડના 38 વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત સહિત બનાસકાંઠા જિલ્લાના વિકાસને ગતિ આપતા કુલ ₹358.37 કરોડના અનેકવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં રાજ્ય સરકાર સેચ્યુરેશનના સંકલ્પ સાથે છેવાડાના માનવીને વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડવા પ્રતિબદ્ધ છે. તેમણે જળ સંરક્ષણ, આરોગ્ય, શિક્ષણ, વીજળી અને પર્યાવરણ સંરક્ષણ દિશામાં રાજ્ય સરકારના ઉલ્લેખનીય પ્રયાસોથી આવેલ પરિવર્તનની રૂપરેખા આપી હતી. મુખ્યમંત્રીએ સુદ્રઢ નાણાકીય વ્યવસ્થાપન અને ગુણવત્તાયુક્ત વિકાસ થકી ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત’ના નિર્માણનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

