શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫
હિન્દ ન્યુઝ, બોટાદ
રાજ્ય સરકાર દ્વારા રાજ્યવ્યાપી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ–કન્યા કેળવણી મહોત્સવના અંતિમ દિને રાણપુર તાલુકાના દેવળીયા ગામ ખાતે ધંધુકાના ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભીએ વિદ્યાર્થીઓને ગણવેશ અને પાઠયપુસ્તક સાથેની શૈક્ષણિક કીટ આપી શાળાપ્રવેશ કરાવ્યો હતો. તેમજ પ્રવેશ મહોત્સવ કાર્યક્રમ દરમ્યાન મહાત્મા ગાંધી મનરેગા યોજના અને અન્ય વિવિધ વિભાગના સહયોગથી ગ્રામ્ય કક્ષાએ નવ નિર્માણ પામેલા ૦૩ મનરેગા મોડલ આંગણવાડી નંદઘર, અને ૦૧, મનરેગા ગ્રામ તલાટી આવાસ સુવિધા સાથે પંચાયત ઘરના ૪૫ લાખના ખર્ચે નિર્માણ પામેલા કામો લોકાપર્ણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન તેમજ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો. તેમજ સૌએ માર્ગ સલામતી માટે સામૂહિક સંકલ્પ ગ્રહણ કર્યો હતો. સમગ્ર કાર્યકમ સંકલન આયોજન મનરેગા યોજનાના જિલ્લાના ડી.ડી.પી.સી.અને તાલુકા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, અન્ય પદાધિકારીઓ, મનરેગા સ્ટાફ, શાળાના આચાર્ય-શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
