હિન્દ ન્યુઝ, આણંદ
બાગાયતી પાકોની ખેતી સંકળાયેલા ખેડૂતોને જણાવવાનું કે, બાગાયત ખાતુ, ગુજરાત રાજ્ય દ્વારા ‘‘બાગાયત ખાતાની નર્સરી અને સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ઉત્પાદિત પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં એટસોર્સ સહાય આપવાનો કાર્યક્રમ” શરૂ કરવામાં આવ્યો છે.
જે અન્વયે આણંદના ઇસરામા -પેટલાદમાં આવેલ સેન્ટર ઓફ એક્સેલન્સ તેમજ ફળ રોપા ઉછેર કેન્દ્ર – પેટલાદ ખાતેથી સીતાફળ, લીંબુ ,ફાલસા, સરગવા વગેરે ફળરોપા તથા શાકભાજીના ધરૂ જિલ્લાના ખેડૂતો મેળવી શકશે.
બાગાયતી પાકોની કલમ, રોપા, ધરૂ કે અન્ય પ્લાન્ટીંગ મટીરીયલ્સની ખરીદી માટે સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ.૫,૦૦૦ સુધીની સહાય મળશે. જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચ ના ૭૫% અથવા મહત્તમ રૂ.૭,૫૦૦ સુધીની સહાય મળવાપાત્ર રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે,બાગાયત ખાતાની “ગુજરાત હોર્ટિકલ્ચર નોલેજ સોસાયટી” સંચાલિત નર્સરી અને સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ઉત્પાદિત ઓછામાં ઓછો રૂ.૨૦૦૦ની કિંમતના કલમ, રોપા અન્ય પ્લાનિંગ મટીરીયલ્સની ખરીદી કરનારને જ એટસોર્સ સહાયનો લાભ મળશે.
એટસોર્સ સહાય મેળવવા જરૂરી સાધનિક કાગળો જેવા કે ૭/૧૨ તથા ૮-અની નકલ, આધાર કાર્ડ/ રેશનકાર્ડની નકલ, ફોટોગ્રાફ વાળું ઓળખ પત્ર, અનુ. જાતિ/જન જાતિના પ્રમાણપત્રની નકલ (લાગુ પડતું હોય તો) તથા દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો) જેવા જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે.
વધુ માહિતી માટે જિલ્લાના ખેડૂતોએ સવારના ૦૮ થી સાંજે ૦૬ કલાક દરમિયાન આઈ. એમ. ઠાકોરના સંપર્ક નંબર ૯૯૨૪૫૯૧૭૦૮/૯૦૯૯૮૨૯૬૭૩ પર સંપર્ક સાધવા નાયબ બાગાયત નિયામક, આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે.
