હિન્દ ન્યુઝ, જામનગર
ગુજરાત રાજ્યના ઊર્જા ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ દિવસે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જામનગર સહિત અમદાવાદ, કચ્છ, જૂનાગઢ, ગીરસોમનાથ અને અમરેલી જિલ્લાઓમાં કુલ રૂ. 986 કરોડના વીજ પ્રોજેક્ટ્સનું કચ્છ જિલ્લાના ભુજ ખાતેથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેમાં જામનગર જિલ્લાના રૂ. 200 કરોડના ખર્ચે બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. જે જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠાને સુદ્રઢ બનાવશે અને જિલ્લાના ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રને નવી દિશા આપશે.
જામનગરમાં ઊર્જા ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રગતિ
ભુજ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જામનગર જિલ્લામાં ઊર્જા ક્ષેત્રે બે મુખ્ય પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થયું છે, જે ભવિષ્યના વિકાસ માટે પાયાનું કામ કરશે.જેમાં રૂ.75 કરોડના ખર્ચે 132/66 KV કનસુમરા સબસ્ટેશનનું લોકાર્પણ કરાયું છે. આ સબસ્ટેશન જામનગરના GIDC વિસ્તારમાં ઉદ્યોગોની વધતી વીજ માંગને સંતોષવામાં મદદરૂપ થશે અને સતત અને અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરશે. આ ઉપરાંત, જામનગર શહેરી વિસ્તારમાં પણ વીજ પુરવઠો સુધરશે.
તેમજ રૂ.125 કરોડના ખર્ચે 220/66 KV બબરઝર સબસ્ટેશન જે જામનગરના લાલપુર તાલુકા ખાતે લોકાર્પિત કરાયું છે.આ સબસ્ટેશન જામનગર અને આસપાસના વિસ્તારોમાં સૌર અને પવન ઊર્જાના ઉત્પાદનને મુખ્ય ગ્રીડ સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.આનાથી પુનઃપ્રાપ્ય ઊર્જાનો મહત્તમ ઉપયોગ થઈ શકશે અને ખેડૂતોને દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવામાં પણ મદદરૂપ થશે.
આ પ્રોજેક્ટ્સ ગુજરાત સરકારની વિકાસલક્ષી નીતિઓનું પ્રતિબિંબ છે, જે રાજ્યના નાગરિકો અને ઉદ્યોગોને અવિરત અને ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. આ નવા સબસ્ટેશનો અને ટ્રાન્સમિશન નેટવર્કના સશક્તિકરણથી રાજ્યના સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે, અને ઔદ્યોગિક તેમજ કૃષિ ક્ષેત્રને વિકાસની નવી રાહ મળશે.
