રાજકોટ જિલ્લાનાં રાજ સમઢીયાળા ગામમાં માત્ર ૧૦ ફૂટ ખોદાણથી પાણી મળી રહ્યું છે

હિન્દ ન્યુઝ, રાજકોટ

      સૌરાષ્ટ્રમાં વિસ્તારમાં સરકાર દ્વારા ભૂગર્ભ જળના સ્તરને ઊંચું લાવવા કેચ ધ રેઈન એટલે કે વરસાદના ટીપાં ટીપાંને ઝીલીને જમીનમાં સિંચન કરવાના અભિયાનથી રાજકોટ જિલ્લાનાં રાજ સમઢીયાળા ગામમાં માત્ર ૧૦ ફૂટ ખોદાણથી પાણી મળી રહ્યું છે.

સરકારના ‘કેચ ધ રેઈન’ અને ‘સુજલામ સુફલામ’ જળ અભિયાનના ઉત્કૃષ્ટ પરિણામે રાજ સમઢીયાળા ગામ ભૂગર્ભ જળસિંચનમાં અન્યો માટે સર્વશ્રેષ્ઠ પ્રેરણારૂપ બન્યું છે. આપણા ખેતી આધારિત દેશ માટે પાણીએ વિકાસ માટેની પ્રાથમિક જરૂરિયાત છે, તેમ જણાવતા રાજ સમઢીયાળા ગામના સરપંચ તેમજ જળસિંચન માટે વિશિષ્ટ તકનીકી જ્ઞાન ધરાવતા શ્રી હરદેવસિંહ જાડેજાએ કહ્યું હતું કે, અમે વર્ષ ૧૯૭૮મા ભૂગર્ભજળ સ્તર વધારવાની નેમ લીધી હતી. જેને સાર્થક કરતા હાલ અંદાજે બે હજાર જેટલી વસ્તી ધરાવતા રાજ સમઢીયાળા ગામની તમામ ભાગોળે ફરતા ૦૭ તળાવ અને તેની સાથે જોડાયેલ ૩ લાઈન એરિયામાં કુલ ૪૫ ચેકડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં સરકારની સુજલામ સુફલામ યોજના, ગ્રામીણ રોજગાર મિશન અને કેચ ધ રેઈન જેવા અભિયાન તથા યોજનાઓનો લાભ લેવામાં આવ્યો છે.

ગામની આસપાસના ૧૦૦ એકર વિસ્તારમાં ૦૭ વિશાળ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઇસરોની મદદથી રિમોટ સેન્સ ટેકનોલોજી દ્વારા ડાયકસ અને લીનીયામેન્ટ એટલે કે વોટર બેરિયર અને કસવાળી જમીન તેમજ જળ ભૂગર્ભમાં ઉતરવા માટે જરૂરી તિરાડવાળી જમીનોને ચકાસીને ડાયકસથી દૂરના વિસ્તારોમાં પરકોલેશન પોઇન્ટની ખાતરી કરવામાં આવી અને ત્યાં આ ૦૭ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથેઆજી નદીના કેચમેન્ટ એરિયામાં આવતું હોવાથી તેને ૨૦ ફૂટ આજી નદીનો કેચમેન્ટ એરિયા પણ મળે છે. કેચમેન્ટની લાઈન તેમજ તળાવ અને અનુક્રમે જોડાણ સાથે ૪૫ ચેકડેમ તેના પર નિર્મિત કરવામાં આવ્યા છે.

આજે ૨ અબજ ૬૪ કરોડ ૬૦ લાખ લિટર વરસાદી પાણીનો સંગ્રહ માત્ર ૭ તળાવથી જ થાય છે. આ સાથે નાના મોટા ૪૫ ચેકડેમ દ્વારા ૪૨ કરોડ એમ.સી.એફ.ટી.થી વધુ જળસંગ્રહ કરવામાં આવે છે. રાજ સમઢીયાળા ગામ આસપાસમાં નિર્મિત આ તળાવો સાથે ૪૫ ચેકડેમોને ત્રણ પેરેલલ લાઈનમાં બનાવવામાં આવ્યા છે જે એકબીજા સાથે લિંક્ડ હોય જમીનમાં સતત પાણી ઉતર્યા કરે છે જેના કારણે રાજ સમઢીયાળા આસપાસના અન્ય ગામોમાં પણ ભૂગર્ભ જળસ્તર ઊંચું આવ્યું છે.

Related posts

Leave a Comment