મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન- બોટાદ જિલ્લો

હિન્દ ન્યુઝ, બોટાદ

વર્તમાન સમયમાં મેદસ્વિતા એક ગંભીર સમસ્યા બની ગઈ છે. શરીરનું વજન વધારે હોય તો અનેક બીમારીનો ભોગ બનવાનો ખતરો રહે છે. વધારે વજનને કારણે શરીરમાં અનેક સમસ્યા થવા લાગે છે, અને શરીર બીમારીઓનું ઘર બની જાય છે. તેવામાં મેદસ્વિતા દૂર કરવી જરૂરી છે. તમામ નાગરિકો સ્વસ્થ રહે અને તેમના રોજિંદા જીવનમાં તંદુરસ્ત આરોગ્યને પ્રોત્સાહન આપે તે હેતુથી ગુજરાત સરકારશ્રીએ ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’નું ખાસ અભિયાન શરૂ કર્યું છે.

જે અન્વયે બોટાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એ.ધોળકીયા જિલ્લાવાસીઓને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, “રાજ્ય સરકારનું મેદસ્વિતા અભિયાન આવકાર્ય છે. આપણે આપણાં વજન અને ખોરાકને લઈને જાગૃત હોવું ખૂબ જરૂરી છે. નાગરિકો બીપી, ડાયાબીટીસ જેવા રોગોનો ભોગ ન બને તેની કાળજી રાખવા માટે સરકારશ્રીએ આરોગ્ય આયુષ્માન મંદિર બનાવ્યા છે. જે સબ સેન્ટરમાં બીપી અને ડાયાબીટીસની તપાસ કરી આપવામાં આવે છે.સાથોસાથ દરેક સેન્ટરમાં સી.એચ.ઓ. દ્વારા નાગરિકોને યોગ પણ કરાવવામાં આવે છે. દરેક નાગરિકને અનુરોધ છે કે પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે નિયમિત કસરતને પોતાની જીવન શૈલીમાં શામેલ અવશ્ય કરો. અને પૌષ્ટિક આહાર આરોગવો જોઈએ. સ્વસ્થ શરીર માટે ચીઝ, બર્ગર જેવી વસ્તુઓ આરોગવાથી બચવું જોઈએ, તે અત્યારના સમય માટે ખૂબ જરૂરી છે.”

સ્થુળતા ઘટાડવી ખૂબ જ જરૂરી છે, જ્યારે શરીરમાં કોઈ પણ રોગ થાય ત્યારે પાતળા મનુષ્યને ઓછું નુકસાન અને ઓછી તકલીફ વેઠવી પડે છે, જ્યારે મેદસ્વિતા વાળા વ્યક્તિએ કોઈપણ બીમારીમાં અન્ય કરતાં વધારે હેરાન થવું પડે છે, અને કોઈપણ બીમારીનો ઈલાજ સહેલાઈથી થઈ શકતો નથી. સ્થુળતાની સીધી અસર અસ્થિ એટલે કે હાડકા પર થાય છે, જેમ સ્થૂળતા વધે તેમ હાડકા નબળા બને છે, અને શરીર રોગોનું ઘર બનતું જાય છે. માટે સરકારના આ અભિયાનમાં જોડાઈએ અને મેદસ્વિતા મુક્ત ગુજરાતના નિર્માણ, એક સ્વસ્થ ભવિષ્યના નિર્માણમાં યોગદાન આપીએ.

Related posts

Leave a Comment