હિન્દ ન્યુઝ, બોટાદ
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના મોટી વાવડી ગામ સ્થિત શ્રી મોટી વાવડી પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સાર્વજનિક પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ શાળાનું નામકરણ પણ ઝવેરચંદ મેઘાણીની પુણ્યસ્મૃતિમાં કરવામાં આવશે. ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ જિલ્લો હોવાથી આનું સવિશેષ મહત્વ છે.
નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્કૃતિ-સાહિત્યની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્ર-ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે આશયથી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીની પ્રેરણા-પરિકલ્પનાથી આ વિશિષ્ટ પુસ્તકાલયની સ્થાપના થઈ છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. (PGVCL)નો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે.
આ અવસરે ધંધુકાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી, બોટાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુડાનીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. ભરતભાઈ વઢેર, રાણપુર મામલતદાર શ્રી કે. બી. ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી ચેતનભાઈ દવે, રાણપુર એપીએમસી ચેરમેન કિશોરભાઈ સહિતના અગ્રણીઓ તેમજ ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન ગોવિંદસંગ ડાભી, રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા સહિતના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ તકે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દયી હત્યાકાંડમાં પોતાનો જીવ ગુમાવનાર ભારતવાસીઓને શ્રધ્ધાસુમન પણ અર્પણ કરવામાં આવ્યાં હતાં.
ગુજરાતી ભાષા-સાહિત્યના કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, ચિંતન, લોકસાહિત્ય જેવાં વિવિધતાસભર વિષયોનાં 1000 જેટલાં પ્રેરણાદાયી પુસ્તકોનું પિનાકી મેઘાણી દ્વારા સુયોગ્ય ચયન કરીને અહીં મૂકાયાં છે. મેઘાણી-સાહિત્ય કોર્નર, ગુજરાતી ભાષા-સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારોની ઉત્તમ કૃતિઓ તેમજ બાળ-સાહિત્યની વિશાળ શ્રેણી આ પુસ્તકાલયની વિશેષતા છે.
