હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં આગામી તા.૦૪/૦૫/૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG) ૨૦૨૫ની લેખિત પરીક્ષા બપોરે ૧૪.૦૦ થી ૧૭.૦૦ કલાક દરમિયાન યોજાશે. નીટ-૨૦૨૫ની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પરીક્ષાના દિવસે સવારે ૧૦.૦૦થી ૧૯.૦૦ કલાક સુધી પ્રતિબંધાત્મક આદેશ જાહેર કરવામાં આવ્યાં છે.
આ પરીક્ષા દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્ર ખાતે પરિક્ષાર્થીઓ નિર્ભિક રીતે શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુનાં વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પરીક્ષાનાં દિવસો દરમિયાન જે-તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામાં અનુસાર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનાં સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રીજયામાં ઝેરોક્ષ/ફેક્સ/સ્કેનરમશીનના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રીજયામાં મોટા અવાજે લાઉડસ્પીકર કે બેન્ડવાજા વગેરે ધ્વનિવર્ધક સાધનોનાં ઉપયોગ પર, ૧૦૦ મીટરની ત્રીજયામાં ૪ કે તેથી વધુ માણસોનાં એકઠા થવા પર, પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેઝેટ લઇ જવા પર અને તેનાં ઉપયોગ પર તથા પરિક્ષા કેન્દ્રમાં કોઈ અનઅધિકૃત વ્યક્તિનાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યાં છે.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાયસંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલાં લેવા તથા ફોજદારી કામ માંડવા માટે હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના અધિકારીને અધિકાર રહેશે.
