રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી અંગે નોંધણીની મુદતમાં વધારો કરાયો

હિન્દ ન્યુઝ, બોટાદ

              ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે ઘઉંનો લઘુત્તમ ટેકાના ભાવ રૂપિયા ૨,૪૨૫/- પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેઓના ઉપ્તાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. ને “નોડલ એજન્સી” તરીકે નિયુક્ત કરી તા.૧૭/૦૩/૨૦૨પથી ઘઉંની ખરીદી હાથ ધરવામાં આવી છે.

               લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા બોટાદ જિલ્લાના ખેડૂતો તેમની ઓનલાઇન નોંધણી સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ૦૧/૦૧/૨૦૨૫ થી ૧૬/૦૩/૨૦૨૫ સુધી હાથ ધરવામાં આવી હતી. જે મુદતમાં વધારો કરી હવે તા.૦૫/૦૪/૨૦૨૫ સુધીની કરવામાં આવી છે. જેથી નોંધણી કરાવવા બોટાદ જિલ્લાના તમામ ખેડૂતોને અપીલ કરવામાં આવે છે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે. 

              ખેડૂતોએ નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમૂનો, ૭/૧૨ ૮/અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨ કે ૮અ માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત બેંક પાસબૂકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.

              બોટાદ જિલ્લાના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.

             ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદાર બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો તેવા કિસ્સામાં જે-તે ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ નહીં કરવામાં આવે જેની ખેડૂત મિત્રોએ નોંધ લેવી. નોંધણી બાબતે કોઇ મુશકેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા મેનેજર અને જિલ્લા પુરવઠા અધિકારી, બોટાદ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.  

                                            

Related posts

Leave a Comment