જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ્ જળ અભિયાન-૨૦૨૪ની જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક‌ યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર  

ભાવનગર કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ્ જળ અભિયાન-૨૦૨૪ની અમલીકરણ સમિતિની બેઠક‌ યોજાઈ હતી.જેમાં સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત થયેલ કામોની સમીક્ષા કરવામાં આવી હતી.

સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી પી.વી.ચૌહાણે સુજલામ સુફલામ્ યોજના-૨૦૨૪ની વિગતો આપતાં જણાવ્યું હતું કે,ભાવનગરમાં લોકભાગીદારીના ૧૦૧ કામો પૈકી ૮૧ કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે.જેમા ભાવનગરમાં ૯ કામો, તળાજામાં ૧૯ કામો, ઘોઘામાં ૬ કામો, મહુવામાં ૮ કામો , જેસરમાં ૬ કામો , પાલીતાણામાં ૯ કામો , ગારીયાધારમાં ૬ કામો, શિહોરમાં ૮ કામો, ઉમરાળામાં ૪ અને વલ્લભીપુર તાલુકામાં ૬ કામો પૂર્ણ કરાયાં છે. આ ખોદાણ કામમાંથી ૫૯૮૮૪૨.૮૨ જથ્થો (ઘ.મી) પ્રાપ્ત થયેલો. આ માટી/કાંપ આજુબાજુનાં ખેડૂતો જમીનમાં ફળદ્રુપતા વધારવા હેતુસર લઇ ગયાં છે. સરકારશ્રીની જોગવાઈ મુજબ ખેડૂતોને કોઈપણ પ્રકારની રોયલ્ટી ચૂકવ્યા વિના માટી/કાંપ વિપુલ માત્રામાં પ્રાપ્ત થયો હોવાનું જણાવ્યું હતું.

સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી મેહુલસિંહ પરમાર દ્વારા સુજલામ સુફલામ્ યોજના અંગે જણાવ્યું હતુ કે, ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮થી સમગ્ર રાજ્યમાં ચોમાસાના પાણીનો ભૂગર્ભ જળ સંચય કરવા માટે સુજલામ સુફલામ જળ અભિયાન ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. રાજ્યમાં જળ સંચયનો વ્યાપ વધારવા માટે તળાવ તથા ચેકડેમ ડીસીલ્ટીંગ, નવા તળાવ તથા ચેકડેમ બનાવવા, જળાશય ડીસીલ્ટીંગ, ખેત તલાવડી, વગેરે જેવા કામો હાથ ધરવવામાં આવે છે. તદુપરાંત મનરેગા યોજના અંતર્ગત કામ કરવાથી શ્રમિકોને રોજગારી મળી રહે છે.આ યોજનાથી ભાવનગર જીલ્લાનાં વિવિધ ગામોમાં હયાત તળાવ તથા ચેકડેમની પાણીની સંગ્રહશક્તિમાં વધારો થયો‌ છે તેના પરિણામે તળાવ ચેકડેમોની આજુબાજુની ખેતીલાયક જમીનમાં પાણીનાં તળ ઊંચા આવ્યાં હોવા અંગેની જાણકારી આપી હતી.

બેઠક‌મા જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર આશિષભાઇ બાલધિયા સહિત સુજલામ સુફલામ્ જળ અભિયાન-૨૦૨૪ની અમલીકરણ સમિતિની સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment