ઈણાજ ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ઈણાજ 

    ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ તા.ર૭/૦ર/૨૦૨૫ થી તા.૧૭/૦૩/૨૦૨૫ દરમિયાન યોજાશે. આ પરીક્ષાનું સંચાલન સુનિયોજિત રીતે થાય એ માટે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં અને નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલની ઉપસ્થિતિમાં જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી.

જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં પરીક્ષાસ્થળો ઉપર ચૂસ્તપણે પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, પરીક્ષાર્થીઓને પરીક્ષા સ્થળો સુધી આવવા-જવા માટે એસ.ટી.ની સુવિધાઓ તેમજ તમામ પરીક્ષાસ્થળો ઉપર પરીક્ષાના સમય દરમ્યાન સતત વીજ પુરવઠો જળવાઈ રહે તેની કાળજી રાખવા સહિતની બાબતો પરત્વે નિવાસી અધિક કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને માર્ગદર્શિત કર્યા હતાં.

આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરીચાએ પરીક્ષાની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ પરીક્ષાના પ્રશ્નપત્રો માટે જિલ્લામાં ધોરણ-૧૦ના બે ઝોન (૧)ઉના અને (૨)વેરાવળ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ માટે ઝોન-૦૧ વેરાવળ ખાતે કાર્યરત રહેશે.

ધોરણ-૧૦ના ૬૭ પરીક્ષાસ્થળોના ૬૭૦ બ્લોકમાં કુલ ૧૮,૪૩૫ પરીક્ષાર્થીઓ, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ૩૩ પરીક્ષાસ્થળોના ૨૮૧ બ્લોકમાં કુલ ૮,૩૬૦ પરીક્ષાર્થીઓ અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના ૦૯ પરીક્ષાસ્થળોના ૭૯ બ્લોકમાં કુલ ૧,૫૨૬ ૫રીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.

પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, પરીક્ષાસ્થળોની આજુબાજુ ૧૦૦ મીટરના વિસ્તારમાં પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે તે હેતુથી લાઉડસ્પીકર, ઝેરોક્ષ મશીનો બંધ કરવા, પરીક્ષામાં મોબાઈલ, ઈલેકટ્રોનિક ગેઝેટ લઈ જવા પર પ્રતિબંધાત્મક હુકમોનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ ઉપરાંત, પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીને તાત્કાલિક કોઈ આરોગ્યલક્ષી સારવારની જરૂરિયાત ઉભી થાય તો તેની જરૂરી વ્યવસ્થાઓ કરવા માટે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને સૂચનાઓ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ પરીક્ષા સ્થળે પહોંચે તે માટે બસની વ્યવસ્થા, શાળા ખાતે છાંયડા અને પાણીની વ્યવસ્થા ગોઠવાય તે માટેની જરૂરી સુચનાઓ ઉપસ્થિત અધિકારીઓને આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોકભાઇ પટેલ, સંબંધિત વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment