હિન્દ ન્યુઝ, સુરત
ગુજરાતમાં નારી સશક્તિકરણ માટે ગુજરાતની મહિલાઓના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સશક્તિકરણની દિશામાં અનેકવિધ અપ્રતિમ પગલાં લઈને જે અભિનવ માર્ગ કંડાર્યો છે. રાજ્ય સરકાર મહિલા સુરક્ષાથી લઈને સશક્તિકરણ માટે અનેકવિધ પગલાંઓ લઈને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં હરહંમેશ પ્રયત્નશીલ રહી છે, ત્યારે પરિવારના મોભીનો આધાર ન હોય તેવી હજ્જારો ગંગા સ્વરૂપા બહેનોને સરકારે ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ થકી સ્વમાનભેર જીવન જીવવા માટે માર્ગ આપ્યો છે.
ઓલપાડના લવાછા ગામના મોટા ફળિયામાં રહેતા અલ્પાબેન પટેલે કહ્યું હતું કે, દરિયાકાંઠાના છેવાડા ગામોની ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક સહાય આપીને મુશ્કેલીઓમાં આધારરૂપ બન્યા છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, આજથી ૧૪ વર્ષ પહેલા મારા પતિનું અવસાન થયું હતું. એટલે એક દિકરો અને બે દીકરીની ચિંતા થતી હતી. પેટે પાટા બાંધીને પણ દિકરા-દીકરીઓને ભણાવ્યા છે. દિકરો ITI માં ભણે છે. એક દીકરી હીરાની ફેક્ટરીમાં નોકરી કરે છે અને બીજી દીકરી માસ્ટર ડિગ્રી કરી છે. જ્યારે પુત્ર ITI માં વાયરમેનની તાલીમ લઈ રહ્યો છે. મને ૧૪ વર્ષથી ગંગા સ્વરૂપા આર્થિક યોજનાના લાભ થકી દર મહિને રૂ.૧૨૫૦ મળે છે. આ સાથે પીએમ આવાસ યોજનામાં પોતાનું મકાન અને કિશાન સન્માન નિધિ યોજના હેઠળ વર્ષે ૬૦૦૦ રૂપિયા મળી રહ્યા છે. રાજ્ય સરકારના દ્વારા રાંધણ ગેસની બોટલ અને દર મહિને અનાજ વિના મૂલ્યે મળે છે. સરકારે અમારા જેવા મધ્યમ વર્ગીય પરિવારો માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે એટલે અમારું જીવન ધોરણ સરળ બન્યું છે એ બદલ સરકારના અમે ઋણી રહીશું.
ગંગા સ્વરૂપા બહેનોને મળતી આર્થિક સહાય પીઠબળ સમાન: લાભાર્થી શશિકલાબેન પટેલ
લવાછા ગામના ગંગા સ્વરૂપા લાભાર્થી શશિકલાબેન પટેલે કહ્યું હતું કે, પરિવારમાં પુત્ર- પુત્રી છે. દિકરો અભ્યાસ કરે છે અને દીકરી નોકરી કરે છે. ઉપસરપંચ અશોકભાઈએ બંને બાળકોના અભ્યાસમાં મદદરૂપ થયા હતા. વન મંત્રી પણ ઘણી મદદ કરી છે. વિધવા સહાય મેળવવામાં તેમજ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળતો હોવાનું જણાવી સરકાર દ્વારા ગંગા સ્વરૂપા બહેનોને મળતી આર્થિક સહાય ઘણી ઉપકારક અને પીઠબળ સમાન બની રહી છે તે બદલ રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.