હિન્દ ન્યુઝ, માંડવી
આદિવાસી બાંધવોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આદિવાસી ખેડૂતોના ખેત ઉત્પાદનમાં વધારો થાય અને તેઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. આદિજાતિ ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવી શકે તેવા હેતુસર ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા શાકભાજી માટે મંડપ બનાવવા સહાય આપવામાં આવે છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના વાંકલા ગામના આદિવાસી ખેડૂત અશ્વિનભાઈ ચૌધરીએ આ સહાય યોજનાનો લાભ લીધો છે, જેના કારણે હવે તેમની ખેતી વધુ સુગમ બની છે.
શાકભાજીના મંડપ સહાયના લાભાર્થી અશ્વિનભાઈ ચૌધરીના પુત્ર અનિકેતભાઈ ચૌધરીએ જણાવ્યું કે, “અમારો પરિવાર પેઢીદર પેઢી ખેતી સાથે સંકળાયેલો છે અને ખેત ઉત્પાદન જ ગુજરાનનું મુખ્ય સાધન છે. હાલ અમે ગાયના છાણનો ખાતર તરીકે ઉપયોગ કરીને શાકભાજીની જૈવિક ખેતી કરી રહ્યા છીએ, જેનાથી સારી આવક થાય છે.”
વધુમાં તેમણે કહ્યું કે, માંડવી પ્રયોજના કચેરીએથી વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા સાધન સહાય યોજના વિશે જાણકારી મળી.પાકમાં વધારો થાય તેવા આશયથી ઓનલાઇન ફોર્મ ભર્યું.જેથી ટુંક જ સમયમાં મંડપ બનાવવા માટે પ્રથમ હપ્તે રૂ.૮,૭૩૬ પ્રાપ્ત થયા, જેના આધારે મંડપ તૈયાર કરીને ટીંડોરાની ખેતી શરૂ કરી.ત્યારબાદ થોડા સમયમાં બીજા હપ્તે રૂ.૨૯૧૨ અને ત્રીજો હપ્તે રૂ.૨૯૧૨ મળી કુલ રૂ.૧૪,૫૬૦ પ્રાપ્ત થયા.
અનિકેતભાઈએ વધુમાં જણાવ્યું કે, “મંડપ વિના અમારે નરમ શાકભાજી, જેમ કે ટીંડોળા અથવા કોળા જેવી ખેતી કરવી મુશ્કેલ હતી. હવામાન પરિવર્તન અને અતિશય તાપમાનને કારણે પાક ઓછો થતો અને ક્યારેક નુકસાન પણ થતાં.પણ હવે મંડપથી પાકનું રક્ષણ થાય છે, અને તેનું ઉત્પાદન વિપુલ માત્રામાં વધી રહ્યું છે. સરકારની સહાયથી મંડપ બાંધ્યા બાદ ટીંડોળાની ખેતીમાં ઉત્પન્ન મોલ વધુ મળ્યો, અને બજારમાં સારી કિંમત પણ મળી.”
અનિવાર્ય અડચણો બાદ આદિવાસી ખેડુતો માટે આવી યોજનાઓ જીવનમાં મોટું બદલાવ લાવી રહી છે. અશ્વિનભાઈના પરિવાર માટે આ યોજના એક નવી આશા બની છે, જેનાથી તેઓને ખેતી વ્યવસાય વધુ ફળદાયી લાગ્યો છે. તેમનો પરિવાર કહે છે કે, “હવે અમારું લક્ષ્ય વધુ પ્રકારની શાકભાજીની ખેતી કરી વ્યાપાર વિસ્તૃત કરવાનો છે”.