હિન્દ ન્યુઝ, ભાવનગર
વિકાસના ગુજરાત મોડેલની આગવી વિશેષતા છે જ્યોતિગ્રામ યોજના ! ગુજરાતના પ્રત્યેક ગામોમાં ૨૪ કલાક સુધી સાતત્યપૂર્ણ વીજપુરવઠો મળવો એ નાનીસૂની વાત નથી. ૨૪ કલાક વીજળી ઘરમાં હોય તે વાતનું મહત્વ ત્યારે જ સમજાઇ જ્યારે તમે કોઇ બીજા રાજ્યમાં પ્રવાસ કરતા હો. આ જ્યોતિ ગ્રામ યોજનાનો સંકલ્પ કર્યો હતો તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ અને સિદ્ધિ સુધી તેમણે જ પહોંચાડી. નરેન્દ્રભાઇ મોદીના સક્ષમ અને સફળ નેતૃત્વના ૨૩ વર્ષ પૂર્ણ થવાના અવસરે જ્યોતિગ્રામ યોજના સાકાર થવાની કેટલીક રસપ્રદ વાતો જાણવી ગમશે.
નરેન્દ્રભાઇ મોદીને તેમના મુખ્યમંત્રી તરીકેના પ્રારંભિક કાર્યકાળ દરમિયાન કેટલાય ધારાસભ્યો રજૂઆત કરતા કે સાહેબ વાળું કરવા ટાળે તો લાઇટ મળે એવું કંઇક કરો ! ગુજરાતમાં તે દિવસોમાં વીજળીની ભારે સમસ્યા. ઝબૂક વીજળી ઝબૂક થયા કરે. લાઇટ ક્યારે આવશે ? એ નક્કી જ નહી. આ સમસ્યામાંથી સર્જન થયું સંકલ્પનું. નરેન્દ્રભાઇના જ્યોતિગ્રામ યોજનાના દ્રઢ સંકલ્પનું.
વીજ વિતરણ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે ગુજરાત ઇલેક્ટ્રીસિટી બોર્ડ (જીઇબી)નું ચાર કંપનીમાં વિભાજન કર્યું અને વિતરણ વ્યવસ્થા મજબૂત બનાવી. એમજીવીસીએલ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ અને યુજીવીસીએલ થકી વીજ સેવાને બહેતર કરવામાં આવી.
ગુજરાતના તમામ ગામોને ૨૪ કલાક વીજળી મળશે, એવી ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી. યોજનાને નામ અપાયું જ્યોતિગ્રામ યોજના. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇ મોદીએ તેમના સંકલ્પની જાહેરાત કરી સમગ્ર ગુજરાતને સાનંદ આશ્ચર્યજનક સમાચાર આપ્યા.
ગામડાઓને ૨૪ કલાક વીજળી મળે ? એ વાત માનવામાં આવે તેવી નહોતી. કેવી રીતે મળશે ? યોજનાનું પ્રારૂપ શું હશે ? એનો કોઇને ખ્યાલ નહોતો. એ દરમિયાન, વીજ કંપનીઓ દ્વારા ‘લંગરિયા પ્રથા’ સામે વ્યાપક ઝૂંબેશ ચલાવવામાં આવી. તેના કારણે લાઇન લોસમાં ઘટાડો થયો.
હવે વાત કરીએ વીજળીના ઉત્પાદનની. ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે માંડ ૩૧૫ મેગા વોટ વીજળીનું ઉત્પાદન થતું હતું. પાવર પ્લાન્ટને વધુ કાર્યક્ષમ બનાવી તેની ક્ષમતાને તબક્કાવાર વધારીને હાલમાં ૪૦૭૯૨ મેગા વોટ ઉત્પાદન કરવામાં આવ્યું. ઉકાઇ, ધુવારણ, કચ્છ, ગાંધીનગર, વણાકબોરી, સિક્કા, ભાવનગર, ઉતરાણ, સરદાર સરોવર ડેમ સહિતના સ્થળે વીજ ઉત્પાદનની ક્ષમતા વધારવામાં આવી.
વીજકંપનીઓ દ્વારા યુદ્ધના ધોરણે જ્યોતિગ્રામ યોજનાના નવા ફિડર નાખવામાં આવ્યા. વીજ રેષા નાખવામાં આવ્યા. આયોજનબદ્ધ કામગીરીને કારણે ગામે ગામ ચોવીસ કલાક વીજળી મળતી થઇ.
યોજના પૂર્ણ થયા બાદ કેટલાક ધારાસભ્યોએ જાહેરમંચ પરથી કહેલું કે, અમને પણ વિશ્વાસ નહોતો કે ગુજરાતના ગામડાઓને ૨૪ કલાક વીજળી મળી શકે ! પણ નરેન્દ્રભાઇ મોદીએ અશક્ય લાગતી વાત શક્ય કરી બતાવી છે. ૨૪ કલાક સાતત્યપૂર્ણ વીજળી મળતા ગ્રામીણ કક્ષાએ પણ ધંધારોજગારને વેગ મળતા આર્થિક સમૃદ્ધિના દ્વાર ખૂલ્યા.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વનું આ પરિણામ છે. હવે તો ગુજરાતમાં કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂતોને પણ ૨૪ કલાક વીજળી મળતી થઇ છે.