હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા, જેસર, ગારીયાધાર, પાલીતાણા અને ઘોઘા તાલુકાનો ખેતીવાડી ખાતા હસ્તકની પેટા વિભાગ કચેરી- તળાજામાં સમાવેશ થાય છે. તળાજા ખાતે રૂ. ૧૧૨.૫૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર આ પેટા વિભાગ કચેરી-તળાજાના નવીન મકાનનું આજે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ગાંધીનગર ખાતેથી ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. આ નવીન કચેરીના માધ્યમથી પેટા વિભાગ હેઠળના તમામ ખેડૂતોને ખેતીવાડી ખાતાની યોજનાકીય માહિતી, યોજનાના લાભ અને કૃષિ વિષયક માહિતી સરળતાથી મળી શકશે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે વર્ચ્યુઅલ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાતનું કૃષિ ક્ષેત્રની કાયાપલટ થઇ છે. કપાસ અને મગફળી જેવા પાકોના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં મોખરે છે. પાક ઉત્પાદનોની ટેકાના ભાવે ખરીદી, કૃષિમાં યાંત્રીકરણ, ડ્રોન જેવી ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ, આઈ-ખેડૂત પોર્ટલ, મિલેટના વાવેતરને પ્રોત્સાહન તેમજ અતિવૃષ્ટિ અને કુદરતી આપદામાં ખેડૂતોને સહાય આપવા જેવી વિવિધ પહેલો વડાપ્રધાનની દેન છે. તેમના દ્રષ્ટિવંત નેતૃત્વને આજે ૨૩ વર્ષ પૂર્ણ થયા છે, જે પ્રસંગે ગુજરાતભરમાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતના ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા અમલીકૃત કૃષિલક્ષી યોજનાઓની વિગતવાર માહિતી, યોજનાના લાભો અને જરૂરી માર્ગદર્શન સરળતાથી મળી રહે તે માટે રાજ્યભરમાં જિલ્લા ખેતીવાડી અધિકારીના તાબા હેઠળ કુલ ૪૫ જેટલી મદદનીશ ખેતી નિયામક (વિસ્તરણ), પેટા વિભાગીય કચેરીઓ કાર્યરત છે. જે પૈકીની ૨ પેટા વિભાગીય કચેરીઓ ભાવનગર જિલ્લામાં કાર્યરત છે. ભાવનગર જિલ્લાની બંને પેટા વિભાગીય કચેરીના નવીન મકાનના બાંધકામ માટે રાજ્ય સરકારે રૂ. ૨.૨૫ કરોડની ફાળવણી કરી છે.
આ કચેરી કાર્યરત થવાથી ભાવનગરના ૬ તાલુકાના ખેડૂતોને કૃષિ વિષયક સેવાઓ પૂરી પાડવામાં વધુ સુગમતા પ્રાપ્ત થશે અને સરવાળે ખેડૂતોને વધુ સારી રીતે યોજનાકીય લાભો પહોંચાડી શકાશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં ગાંધીનગર ખાતેથી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા તેમજ ખેતી નિયામક એસ. જે. સોલંકી વર્ચ્યુઅલી જોડાયા હતા. જ્યારે, ભાવનગર ખાતે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, ભાવનગર જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન મંગાભાઈ બાબરિયા, તળાજા તાલુકા પંચાયતના પ્રમુખ રાણાભાઇ સોલંકી, તળાજા APMCના ચેરમેન ભીમજીભાઈ પંડ્યા ઉપરાંત ખેતીવાડી ખાતાના અધિકારી-કર્મચારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.