કૃષ્ણનગરી દ્વારકા સહિત સમગ્ર હાલાર પંથકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આવકારવા હરખની હેલી

હિન્દ ન્યુઝ, જામનગર

     અરબી સમુદ્ર કિનારે વસેલી પૌરાણિક દ્વારકા નગરી ખાતે પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આવકારવા માટે સમગ્ર હાલાર અને ઓખા મંડળમાં હરખની હેલી વર્તાઇ રહી છે. ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરીને સોળે શણગાર સજાવવામાં આવી છે. વડાપ્રધાન ની આ મુલાકાત જનકલ્યાણના વિકાસ કામોની વણઝાર લઇને આવી છે. તેમના હસ્તે દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાઓ રૂ. ૪ હજાર કરોડથી વધુના કુલ ૧૧ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકા ખાતે રૂ. ૯૭૮ કરોડના ખર્ચથી નિર્માણ પામેલા વડાપ્રધાનની સ્વપ્નીલ પરિયોજના સમા સિગ્નેચર બ્રિજ અર્થાત સુદર્શન સેતુનું પણ લોકાર્પણ થવાનું છે. જેના પરિણામે ઓખાથી બેટ દ્વારકા જવા માટે ભાવિકોને સુવિધા પ્રાપ્ત થશે અને સમયનો પણ બચાવ થશે.

આ ઉપરાંત જામનગર જિલ્લામાં રૂ. ૧૦૦ કરોડના ખર્ચે બનવા જઇ રહેલા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું ખાતમુહૂર્ત અને છતરમાં રૂ. ૫૨ કરોડના ખર્ચે સ્થપાયેલા ૧૨.૫ મેગા વોટના વેસ્ટ લેન્ડ સોલાર પ્રોજેક્ટનું વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ થશે. વિકાસની વણઝારને વિભાગ પ્રમાણે જોઇએ તો વડાપ્રધાનશ્રી પ્રેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ વિભાગના રૂ. ૧૩૦૦ કરોડ, માર્ગ અને સડક પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલય, માર્ગ અને મકાન વિભાગના રૂ. ૧૨૦૦ કરોડ, રેલ્વેના રૂ. ૬૦૦ કરોડ, ઊર્જા મંત્રાલયના ૬૦૦ કરોડ, શહેરી વિકાસ વિભાગના ૬૦૦ કરોડ ઉપરાંત વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના રૂ. ૧૦૦ કરોડ સહિતના કુલ રૂ. ૪૧૦૦ કરોડના કુલ ૧૧ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેના પરિણામ જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો વિકાસ વધુ વેગવાન બનશે.

પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ તા. ૨૫ને રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ બેટ દ્વારકા ખાતે પ્રભાતે ભગવાન કૃષ્ણના દર્શન, પૂજા-અર્ચન કર્યા બાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ આ મહાનુભાવો દ્વારકા ખાતે જગત મંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધિશના દર્શન કરશે. બપોરના એક વાગ્યે એનડીએચ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધન કરશે.

વડાપ્રધાનશ્રીના આગમન પૂર્વે દ્વારકામાં સ્વચ્છતા ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. કૃષ્ણનગરી દ્વારકાને રોશનીથી શણગારવામાં આવી છે. ખાસ કરીને પૂનમના દર્શનાર્થીઓ માટે સમગ્ર નગરી આકર્ષણનું કેન્દ્ર બની છે. રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા શનિવારે સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

Related posts

Leave a Comment