મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાના અધ્યક્ષસ્થાને સરધારમાં યોજાયો પી.એમ. વિશ્વકર્મા કેમ્પ

હિન્દ ન્યુઝ, રાજકોટ 

      રાજ્યના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને આજે રાજકોટના સરધાર ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં આ યોજનાનો લાભ લેવા માટે કારીગરો ફોર્મ ભરવા ઉમટ્યા હતા. આ તકે મંત્રી ભાનુબહેને લોકોને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં જ પી.એમ. વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી હતી, અને નાના નાના કારીગરોને સહાયરૂપ થવાના હેતુ સાથે આ યોજના શરૂ કરાવી હતી. ગુજરાતમાં પણ મોટી સંખ્યામાં કારીગરોને આ યોજનાનો લાભ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. લોકોને આ યોજનાની વિગતો આપતા મંત્રી ભાનુબેન બાબરીયાએ વધુમાં કહ્યું હતું કે, આ યોજના અંતર્ગત કારીગરોને પોતાનો વ્યવસાય શીખવા માટે પાંચ દિવસ સુધી વેતન સાથે તાલીમ આપવામાં આવે છે. તાલીમ પછી તેને રૂ. ૧૫ હજારની સાધન સહાય અને ધંધો- રોજગાર શરૂ કરવા માટે રૂ.એક લાખની લોન પણ સાવ નજીવા વ્યાજદરે આપવામાં આવે છે. આ યોજના થકી ભવિષ્યમાં મોટા ઉદ્યોગકારો જન્મશે એવો આશાવાદ તેમણે વ્યકત કર્યો હતો. મંત્રી સુશ્રી ભાનુબહેને દીપ પ્રાગટ્ય કરીને આ કેમ્પનો આરંભ કરાવ્યો હતો. એ પછી વિવિધ કારીગરોને પી.એમ. વિશ્વકર્મા યોજના સહાય માટેના ફોર્મ ભરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, ગ્રામીણ વિસ્તારના કારીગરોને આ યોજનાનો લાભ મળી રહે તે હેતુસર આ કેમ્પ યોજવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે, પ્રધાનમંત્રી વિશ્વકર્મા કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે, જેનો શુભારંભ પ્રધાનમંત્રી દ્વારા ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ થયો હતો. પોતાના હાથ અને સાધનોથી કામ કરતા કારીગરો અને કારીગરોને એન્ડ-ટુ-એન્ડ સહાય પૂરી પાડવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના ૧૮ વેપાર સાથે સંકળાયેલા કારીગરો અને શિલ્પકારોને આવરી લે છે, જેમ કે (૧) સુથાર (સુથાર/બધાઇ); (૨) બોટ ઉત્પાદક; (૩) શસ્ત્રાગાર; (૪) લુહાર (લોહાર); (૫) હેમર અને ટૂલ કિટ મેકર; (૬) લોકસ્મિથ (તાળા ચાવી કારીગર; (૭) ગોલ્ડસ્મિથ (સોની); (૮) પોટર (કુંભાર); (૯) શિલ્પકાર (મૂર્તિકાર, સ્ટોન કાર્વર), સ્ટોન બ્રેકર; (૧૦) મોચી (ચાર્મકર)/શૂઝમીથ/ફૂટવેર કારીગર; (૧૧) મેસન; (૧૨) બાસ્કેટ/મેટ/સાવરણી બનાવનાર/કોઈર વણકર, (૧૩) ઢીંગલી અને રમકડાની બનાવટ (પરંપરાગત); (૧૪) બાર્બર (નાઈ); (૧૫) માળા બનાવનાર (માલાકાર); (૧૬) વોશરમેન (ધોબી); (૧૭) દરજી; અને (૧૮) ફિશિંગ નેટ મેકર. આ કાર્યક્રમમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર કે.વી. મોરી, રાજકોટ તાલુકા મામલતદાર કે. એચ. મકવાણા, સરપંચ પીન્ટુભાઈ ઢાકેચા, અન્ય અગ્રણી હરેશભાઈ હેરભા, ચેતનભાઈ કથીરીયા, જે.કે. જારિયા, ખોડાભાઈ, તલાટી હિતેશભાઈ નિદ્રોડા તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Related posts

Leave a Comment