હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજ તારીખ ૦૪-૧૧-૨૦૨૩ના રોજ સોમનાથ મંદિર ખાતે દર્શન કરશે. ઉપરાંત ડાભોર-વેરાવળ રોડ ખાતે રેલવે ક્રોસિંગની બાજુમાં નવનિર્મિત વિમ્સ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલનું મુખ્યમંત્રીના વરદ્હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.
સૌ પ્રથમ મુખ્યમંત્રી કેશોદ ખાતે એરપોર્ટથી સોમનાથ હેલિપેડ ખાતે આવશે અને ત્યારબાદ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવશે. જે પછી ગીર સોમનાથ જિલ્લાની અદ્યતન સુવિધાઓથી સજ્જ મા અને આયુષ્માન ભારત યોજના હેઠળ પણ સારવાર આપતી 40,000 સ્ક્વેરફૂટના બાંધકામ સાથેની નવનિર્મિત વિમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે.
મુખ્યમંત્રીશ્રીની ગીર સોમનાથ મુલાકાત પૂર્વે ગીર સોમનાથ અધિક જિલ્લા કલેક્ટર બી.વી.લિંબાસિયા દ્વારા આનુષાંગિક વ્યવસ્થાઓ અંગે શીર્ષ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી અને સુચારૂ આયોજન ગોઠવાય તે અંગે માર્ગદર્શન આપવામા આવ્યું હતું.
મુખ્યમંત્રીના આ પ્રવાસ કાર્યક્રમ નિમિત્તે ધારાસભ્યો, સાંસદ સભ્યો તેમજ પૂર્વમંત્રીઓ, પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ, આગેવાનોની પણ ઉપસ્થિતિ રહેશે.
રિપોર્ટર : સહિદ મહીડા, ગીર સોમનાથ