દાહોદ ખાતે ઇદ પર્વની ઉજવણી સાવચેતી સાથે કરવા કલેક્ટર વિજય ખરાડીની જાહેર અપીલ

દાહોદ,

દાહોદ ખાતે કલેક્ટર વિજય ખરાડીએ રમજાન માસની પૂર્ણાહુતિ અને તે પ્રસંગે ઉજવાતા ઇદના તહેવાર અનુલક્ષીને તમામ મુસ્લિમ સમાજને શુભકામનાઓ પાઠવી છે અને રમજાન ઇદનો તહેવાર સામાજિક અંતરના પાલન, સેનિટાઇઝેશનના અનુપાલન સાથે મનાવવામાં આવે તેવી અપીલ કરી છે. ખરાડીએ આપેલા શુભકામના સંદેશમાં કહ્યું કે પવિત્ર રમજાન માસ દરમિયાન દાહોદના સમગ્ર મુસ્લિમ સમાજે રોજા રાખી ઇબાદત કરી છે. આ રમજાન માસમાં કોઇ પણ સામુહિક બંદગી ના કરીને તમામ લોકોએ ખૂબ જ નેકીનું કામ કર્યું છે. વહીવટી તંત્ર અને પોલીસને અત્યાર સુધી મુસ્લિમ સમાજે સુંદર સહયોગ આપ્યો છે. કોરોના વાયરસના સંક્રમણના સમયમાં તમામ લોકો પોતાની જવાબદારી સ્વયંભૂ સમજયા છે. હવે, માત્ર ઇદના દિવસે પણ એવું અનુશાસન રાખવાનું છે.

કલેક્ટરએ એવી લાગણી વ્યક્ત કરી છે કે, ઇદનો તહેવાર માત્ર ખૂબ જ નજીકના પરિવાર સાથે જ ઘરમાં મનાવીએ તો ઉત્તમ રહેશે. ખોટી રીતે જાહેરમાં ટોળા વળીને જમાવડી ના કરીએ. ઇદના પ્રસંગે મુબારકબાદીની આપલે પણ સામાજિક અંતરના નિયમોનું પાલન કરીને કરીએ. ૬૦ વર્ષથી ઉપરના વૃદ્ધો, નાના બાળકો, સગર્ભા મહિલા ઇદ મનાવવા બહાર ના નીકળે એની ખાસ તકેદારી રાખવી પડશે. વારંવાર હાથ ધોવા અને સેનિટાઇઝ કરતા રહેવાનું છે.

વિજય ખરાડીએ પુનઃ કોરોના વાયરસનું સંક્રમણ ના ફેલાઇ એ માટે સાવચેતી સાથે ઇદ પર્વની ઉજવણી કરવા જાહેર અપીલ કરી છે.

રિપોર્ટર : ઇફતેહખાન ફકીરા, ઝાલોદ

Related posts

Leave a Comment