ધરમપુર તાલુકાના બિલધા ગામે ચેકડેમ ડિસિલ્‍ટિંગની કામગીરી થકી સ્‍થાનિકોને ઘરઆંગણે રોજગારી

વલસાડ,

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્‍થિતિ હોઇ આવા કપરા સમયે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં રહેતા શ્રમિકોને કોઇ કામ ન મળતાં તેઓએ મજૂરી કરીને બચત કરેલા નાણાં પણ પૂરા થઇ જતાં ઘર ચલાવવું ખૂબ જ મુશ્‍કેલ બન્‍યું હતું. લોકડાઉનના કારણે અન્‍ય સ્‍થળે રોજગારી મેળવવા માટે જવું શકય નથી ત્‍યારે શ્રમિકોને ઘર આંગણે રોજગારી મળે તેવા રાજ્‍ય સરકારના પ્રયાસોના ભાગરૂપે સમગ્ર રાજ્‍યમાં સુજલામ સુફલામ યોજના હેઠળ જળસંચયના કામો શરૂ કરવામાં આવ્‍યા છે.
વલસાડ જિલ્લામાં પણ અનેક સ્‍થળોએ સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ઊંડા કરવા, ચેકડેમ ડિસિલ્‍ટિંગ, કૂવા બનાવવા, નવા તળાવ, ખેતતલાવડીનું નિર્માણ જેવા અનેક કામો શરૂ કરવામાં આવ્‍યા છે. ધરમપુર તાલુકાના બિલધા ગામે બનાવાયેલા ચેકડેમ ડિસિલ્‍ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી થકી બિલધા ગામના ૩૫ જેટલા શ્રમિકોને ઘરઆંગણે રોજગારી મળી રહી છે. બિલધા ગામના સરપંચે લોકડાઉનની સ્‍થિતિમાં ઘર આંગણે રોજગારી આપવાના કાર્યની સરાહના કરી રાજ્‍ય સરકારનો આભાર વ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું હતું કે, લોકડાઉનના સમયમાં પણ શ્રમિકોને ઘરઆંગણે રોજગારી મળી રહી છે. આ ઉપરાંતા ચેકડેમ ઊંડો થવાથી ચોમાસાની ઋતુ દરમિયાન પાણીનો સંગ્રહ વધુ થશે, જેનાથી આસપાસમાં ખેતી કરતા ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. એટલું જ નહીં પીવાના પાણી માટેના બોર અને કુવામાં પણ પાણીનું સ્‍તર વધશે. ગ્રામ પંચાયત દ્વારા કોરોના સંક્રમણ અટકાવવાના હેતુસર કામગીરી કરતી વખતે સોશિયલ ડિસ્‍ટન્‍સ જાળવવા, માસ્‍ક પહેરવા તેમજ કામના સ્‍થળે હાથ ધોવાની સુવિધા તેમજ આરોગ્‍ય વિભાગના સહયોગથી શ્રમિકો માટે દવાની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે.

રિપોર્ટર : કૃતેશ પટેલ, વલસાડ

Related posts

Leave a Comment