કડકડતી ઠંડીમાં જેની પાસે ફક્ત આભનું ઓઢણું જ છે તેવાં રોડસાઈડ સૂતેલાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ધાબળા ઓઢાડી માનવતાની હુંફ પૂરી પાડતો ભાવનગરનો નિજાનંદ પરિવાર

“માનવતા મહેકાવતું કાર્ય”

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર જિલ્લામાં નાત-જાતના ભેદભાવ વગર વર્ષ -૨૦૧૫ થી નિરંતર કાર્યરત નિજાનંદ પરિવાર સંસ્થા દ્વારા સતત સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.

અત્યારે કડકડતી ઠંડી પડી ગઈ છે. સાધન સંપન્ન લોકો તો ઘરમાં હીટર ચલાવી, ગરમ કપડાં પહેરી કે અન્ય વ્યવસ્થાઓ દ્વારા ગરમીનો સામનો કરી લે છે, પરંતુ જે લોકો પાસે ઉપર આભ અને નીચે જમીન છે એવા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો આવી કડકડતી ઠંડીમાં ઠૂઠવાઈ જાય છે. ઘણાં બધાં લોકો તો ઠંડી ન સહન થવાને કારણે મોતને પણ ભેટે છે.

ફક્ત આભનું ઓઢણું ધરાવતાં આવા ગરીબ લોકોને મધરાત્રે ઠંડીથી બચાવવા નિજાનંદ સંસ્થા દ્વારા ધાબળા ઓઢાડીને માનવતાની હુંફ પૂરી પાડવામાં આવી હતી.

નિજાનંદ પરિવાર દ્વારા આખું વર્ષ જુનાં કપડાનું એકત્રિકરણ કરી અને જરૂરીયાતમંદ લોકોને ગામે-ગામ વિતરણ કરવાની પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે.

આ ઉપરાંત છેલ્લાં સાત વર્ષથી દિવાળી, ઉત્તરાયણ જેવાં તહેવારોમાં ગરીબોને મીઠાઈ અને જૂનાં કપડાનું વિતરણ પણ કરવામાં આવે છે

આગામી સમયમાં નેસડા, વૃદ્ધાશ્રમ અને શિહોર તાલુકાના જુદાં – જુદાં ગામોમાં ગરીબોને ધાબળા વિતરણ કરવામાં આવશે.

નિજાનંદ પરિવાર દ્વારા વિવિધ ગામોમાં કેન્સર, કિડનીની તકલીફ ધરાવતાં, માનસિક વિકલાંગ તેમજ અપંગ વ્યક્તિઓ, વિધવા બહેનોને માસિક કરિયાણાની કીટની પણ નિરંતર સેવા અપાય છે.

આ સંસ્થા દ્વારા હાલમાં કુલ મળીને હાલ ૬૫ નિરાધાર પરિવારોને માસિક કરિયાણાની કીટ પણ આપવામાં આવી રહી છે. તેમજ બાળપણમાં જ તેણે પિતાની છત્રછાયા ગુમાવી છે તેવા ૫ બાળકોની ફી સંસ્થા દ્વારા ભરવામાં આવે છે.

સિહોર તાલુકાનુ ભાણગઢ ગામ સંસ્થા દ્વારા દત્તક લેવામાં આવ્યું છે. જ્યાં પર્યાવરણ, આરોગ્ય, વ્યસન મુક્તિ, શિક્ષણ, પોષણના કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.

ભાવનગર ખાતે યોજાયેલ ધાબળા વિતરણમાં ભાવનગર પોલીસ વિભાગના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી હિતેનભાઈ ભટ્ટ અને હિરલબા રાઠોડ (છાશવાલા)નો વિશેષ સહયોગ મળ્યો હતો. હર્ષદભાઈ ગજ્જર (પાવન) દ્વારા વાહનનો સહયોગ મળ્યો હતો.

ઉદ્યોગપતિથી માંડીને અધિકારી અને સામાન્ય પરંતુ સંવેદનશીલ લોકોથી આ પરિવાર બનેલો છે. માનવસેવાના હિતને લઈને રચાયેલી આ સંસ્થા દ્વારા વર્ષભર વિવિધ માનવ સેવાને પ્રેરતા કાર્યો કરીને સમાજમાં એક અનોખું અને અનુકરણીય ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.

ઈશ્વરના હાથ બનીને પરોપકાર અને પરસેવાને વરેલા આવાં સેવાભાવી લોકોને લીધે જ ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ લોકોનું ગાડું ગબડતું રહ્યું છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment