રાજપીપલામાં મંત્રીની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત “NFSA” લાભાર્થીઓને પાત્રતા મુજબ વિના મૂલ્યે અનાજ વિતરણનો જિલ્લાકક્ષાનો યોજાયેલો કાર્યક્રમ : જિલ્લાની ૨૨૧ વાજબી ભાવની દુકાનોએ પણ યોજાયેલા કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, રાજપીપલા

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલના નેતૃત્વની રાજય સરકારના સુસાશનના પાંચ વર્ષ નિમિત્તે ગુજરાતમાં હાથ ધરાયેલા રાજયવ્યાપી જનસેવા કાર્યના સેવા યજ્ઞ અંતર્ગત ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના રાજયકક્ષાના મંત્રી કિશોરભાઇ કાનાણી (કુમાર), જિલ્લા કલેકટર ડી.એ.શાહ, જિલ્લાના અગ્રણી નીલભાઇ રાવ સહિતના વરિષ્ઠ પદાધિકારીઓ, અધિકારીઓ, અગ્રણીઓ તેમજ લાભાર્થી પરિવારોની ઉપસ્થિતિમાં રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત “NFSA” લાભાર્થીઓને પાત્રતા મુજબ વિના મૂલ્યે અનાજ વિતરણના યોજાયેલા જિલ્લાકક્ષાના કાર્યક્રમને દિપ પ્રાગટય દ્રારા ખૂલ્લો મૂકાયો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં જિલ્લાકક્ષાના ઉકત કાર્યક્રમ ઉપરાંત રાજપીપલામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા સહિતના વરિષ્ઠ પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં તેમજ જિલ્લાની ૨૨૧ જેટલી વાજબી ભાવની (પંડિત દિન દયાલ ગ્રાહક ભંડાર) દુકાનો ખાતે પણ યોજાયેલા આવા કાર્યક્રમમાં પ્રતિકરૂપે નિયત સંખ્યામાં આ યોજનાના લાભાર્થીઓને વ્યકિતદીઠ ૩.૫ કિલો ઘઉં અને ૧.૫ કિલો ચોખા સહિત કુલ પાંચ કિલો વધારાનું અનાજ રાશન થેલીમાં વિના મૂલ્યે વિતરણ કરાયું હતું. ફેઝ-૪ હેઠળ નવેમ્બર-૨૦૨૧ સુધી આ લાભ મળવાપાત્ર થશે. નર્મદા જિલ્લામાં કુલ-૯૯,૫૧૪ પરિવાર-કુટુંબોની ૪,૯૦,૭૮૮ જેટલી જન સંખ્યાને આ યોજનાના લાભ હેઠળ આવરી લેવાયેલ છે.
ગોધરા ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ સહિતના અન્ય વરિષ્ઠ પદાધિકારીઓ, વરિષ્ઠ સચિવઓ વગેરેની ઉપસ્થિતિમાં “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” વિતરણના યોજાયેલા રાજયકક્ષાના કાર્યક્રમના જીવંત પ્રસારણના કરાયેલા નિદર્શન ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ધ્વારા ડીજીટલ માધ્યમથી કરાયેલા વર્ચ્યુઅલ સંબોધન સાથે વડાપ્રધાનએ લાભાર્થીઓ સાથે કરેલા સીધા સંવાદના પ્રસારણને પણ સહુ કોઇએ નિહાળ્યું હતું.
આરોગ્ય રાજય મંત્રી કિશોરભાઇ કાનાણી (કુમાર) એ જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલના નેતૃત્વની રાજય સરકારના સુસાશનના પાંચ વર્ષ નિમિત્તે સરકારે પ્રજાકલ્યાણની અનેકવિધ યોજનાઓ અને વિકાસકામો થકી જનસુખાકારીમાં વૃધ્ધિ થાય તે દિશામાં કરેલી કામગીરીના લેખાજોખાં જનજન સુધી પહોંચાડવાનો સેવાયજ્ઞ આદર્યો છે. ગુજરાતે કોરોનાના કપરા કાળ વચ્ચે પણ કોઇપણ જાતની રૂકાવટ વિના તમામ ક્ષેત્રના વિકાસની સાથે માળખાકીય સુવિધાઓની ઉપલબ્ધિ સાથે તેની વિકાસકૂચ સતત જારી રાખી છે.
આરોગ્ય મંત્રી કિશોભાઇ કાનાણી (કુમાર) એ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીમાં પ્રજાજનોની જનસુખાકારી માટે કરોડોનો ખર્ચ કર્યો છે. સરકારે પોતાની હોસ્પિટલોમાં હજારો રૂપિયાનો ખર્ચ કરીને કોરોના દરદીઓને જરૂરી ઇન્જેકશન સાથેની સારવાર અને જરૂરિયાત મુજબના ઓક્સિજનન સહીતની આનુસંગિક સવલતો સાથેની આરોગ્ય સુવિધાઓ પૂરી પાડી છે. કોરોનાની સંભવત: ત્રીજી લહેરને પહોંચી વળવા એકશન પ્લાન તૈયાર કરેલ છે. ગુજરાતમાં તમામ CHC સેન્ટરમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવાની હાથ ધરાયેલી કાર્યવાહી અંતર્ગત ૭૦ ટકા કામ પૂર્ણ થયેલ છે. કોઇના ઘરનો આધાર છિનવાઇ ન જાય તે માટે સરકારે વિશ્વની સૌથી મોટી હેલ્થ પોલીસી આયુષ્યમાન કાર્ડ-રૂપિયા પાંચ લાખના આરોગ્ય વિમા કવચ અને મા-કાર્ડ વગેરેના લાભ માણસની સંજીવની રૂપમાં આપવાની સાથે સરકાર ગરીબોના આંસુ લૂંછવાનુ કામ કરી રહી હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતું.

કાર્યક્રમ બાદ માધ્યમો સાથેના સંવાદમાં મંત્રી કિશોરભાઇ કાનાણી (કુમાર) એ જણાવ્યું હતુ કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલની નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિતે આદરાયેલા જનસેવા કાર્યના સેવા યજ્ઞા અંતર્ગત કરોડો રૂપિયાના વિકાસના કામોના ખાતમૂહર્ત અને લોકાર્પણના કાર્યક્રમો થઇ રહ્યાં છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત આજે ગુજરાતમાં લગભગ ૧૭ હજારથી પણ વધુ વાજબી ભાવની દુકાનો મારફત ગરીબોને વિના મૂલ્યે અનાજ આપવાની ચાલી રહેલી યોજનાઓ આગામી નવેમ્બર, ૨૦૨૧ સુધી લંબાવવાની આજે વડાપ્રધાનએ કરેલી જાહેરાતના ભાગરૂપે ગુજરાત ભરમાં આ પ્રકારના કાર્યક્રમો થયાં છે.

ત્યારબાદ મંત્રી કાનાણીએ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સેવાભાવી સંસ્થાઓ, જિલ્લાના પદાધિકારીઓ, અગ્રણીઓ, પ્રજાજનો વગેરેના સહયોગથી હાથ ધરાયેલા “નોંધારાના આધાર” પ્રોજેક્ટ અંતર્ગત દશામાના મંદિર સામે ટેકરા ફળીયા વિસ્તારમાં લાભાર્થી પરિવારની મહિલાને બપોરનું ભોજન પીરસવાની સાથે આવશ્યક ચીજ વસ્તુઓની કિટ્સ એનાયત કરી હતી. જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે આ પ્રોજેક્ટ સંદર્ભે મંત્રીશ્રીને ઝીણવટભરી જાણકારી સાથે વાકેફ કર્યાં હતાં. મંત્રીશ્રી કાનાણી આ કામગીરીથી અંત્યત પ્રભાવિત થઇ “ટીમ નર્મદા” ની સંવેદનાસભર આ માનવીય કામગીરી બિરદાવી અભિનંદન આપ્યાં હતાં.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, રાજપીપલા

Related posts

Leave a Comment