નારી વંદન ઉત્સવ–2026
હિન્દ ન્યુઝ, વલસાડ
નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત ઉજવાતા મહિલા નેતૃત્વ દિવસનો મુખ્ય હેતુ મહિલાઓ અને કિશોરીઓમાં નેતૃત્વ ક્ષમતાનો વિકાસ કરવો, આત્મવિશ્વાસ વધારવો, પોતાના અધિકારો અને જવાબદારીઓ પ્રત્યે જાગૃત બનાવવું તેમજ શિક્ષણ, સુરક્ષા અને સ્વાવલંબન દ્વારા સમાજના સર્વાંગી વિકાસમાં તેમની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો છે. આ હેતુને અનુરૂપ 181 અભયમ મહિલા હેલ્પલાઇન, વલસાડ ટીમ દ્વારા વલસાડ તાલુકાના સેગવી ગામ સ્થિત સર્વોદય હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થિનીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન 181 અભયમ મહિલા હેલ્પલાઇનની સેવાઓ, મહિલાઓને મળતી તાત્કાલિક સહાય, ઘરેલુ હિંસા, મહિલા સુરક્ષા, સાયબર સુરક્ષા, કાનૂની માર્ગદર્શન તેમજ ઇમરજન્સી સેવા 112 અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ સરકારી યોજનાઓ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીનીઓને પ્રેરણાદાયી સફળતાની કહાનીઓ દ્વારા આત્મવિશ્વાસ અને નેતૃત્વના ગુણો વિકસાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે જ સોશિયલ મીડિયાનો સુરક્ષિત અને જવાબદાર ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ 181 અભયમ મોબાઇલ એપ્લિકેશન વિશે માહિતી આપી તેના ઉપયોગ અંગે સમજણ આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રશ્નોત્તરી દ્વારા પોતાની જિજ્ઞાસાઓનું સમાધાન મેળવ્યું અને જરૂરિયાતના સમયે નિર્ભયપણે 181 અભયમ મહિલા હેલ્પલાઇન તથા 112 ઇમરજન્સી સેવાનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન વલસાડ ટીમના કાઉન્સેલર કંચન ટંડેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
