હિન્દ ન્યુઝ, ડાંગ
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજરોજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, વઘઈ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના આવકાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિજયભાઈ પટેલે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે સતત પરિશ્રમ કરીને પોતાના જીવનના લક્ષ્યો હાંસલ કરવાની પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે યોગ્ય આયોજન, સમયનું મૂલ્ય અને દૃઢ મનોબળ દ્વારા કોઈપણ વ્યક્તિ સફળતાના શિખરો સર કરી શકે છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, “નિષ્ફળતા મળે તો નિરાશ થવાની જરૂર નથી; સફળતા મેળવવા માટે સતત મહેનત અને ધીરજ જ સાચો માર્ગ છે.” સાથે જ તેમણે જીવનમાં મળતી તકનો યોગ્ય સમયે લાભ ઉઠાવવાની પણ અપીલ કરી હતી.
આ પ્રસંગે આચાર્યશ્રી ડૉ. જે. એમ. ભોયાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓ પોતાના જીવનના નવા શૈક્ષણિક પ્રવાસની શરૂઆત કરી રહ્યા છે, જે તેમના જ્ઞાન, વ્યક્તિત્વ વિકાસ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો બની રહેશે.
મહાનુભાવોના હસ્તે નવા વિદ્યાર્થીઓને પ્રતિકરૂપે નોટબુક અને પેનનું વિતરણ કરી આવકાર્યા હતાં.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સપ્તધારા અધ્યક્ષ ડૉ. પ્રીતિબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોલેજના અંદાજે ૧૬૩ વિદ્યાર્થીઓ તથા ૧૬ અધ્યાપકોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
