કાલાવડ તાલુકાના નિકાવા ગામે સૌની યોજનાની પાઈપલાઈન ખેતરમાંથી નિકળી બહાર, ખેડૂતોને આવ્યો નુકશાન વેઠવાનો વારો

કાલાવડ,

કાલાવડ તાલુકાના નિકાવા ગામે સીમ વિસ્તારમાં ખેડૂતોના ખેતરમાંથી આજે જમીનમાંથી પસાર થયેલી સૌની યોજનાની પાઇપલાઇન વધુ વરસાદને કારણે બહાર આવી ગયેલ છે. જેથી ખેડૂતોના ઉભા પાકમાં પારાવાર નુકસાન થઇ જવા પામેલ છે. સરકારની સૌથી મોટી સૌની યોજનાના જે ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે પરંતુ નિકાવા ગામના ખેડૂતો માટે તો જાણે કે આ યોજના અભિશાપ સાબિત થઈ રહી છે તેવું લાગી રહ્યું છે. કારણ કે ગત વર્ષે જ નિકાવા ગામની સીમમાં ખેડૂતોના ખેતરોમાં પાઇપલાઇન બહાર નીકળી હતી અને આજે ફરી નિકાવા ગામના જ ખેડૂત ભાવેશભાઇ ડુંગરભાઇ મારવિયા, પોપટભાઇ ઠાકરશીભાઇ મારવિયા તથા પ્રવીણભાઇ વશરામભાઇ સભાયાના ખેતરમાંથી જમીનની અંદર ઉંડાણમાં જે તે સમયે ડાટેલ પાઈપ લાઈનમાં ભ્રષ્ટાચાર થયેલ હોવાના સંકેત આપીને તેની સાબીતી માટેના પુરાવા આપ્યા હતા.

સૌની યોજનાની પાઇપલાઇન નીકળતા ખેતરો ખેદાન-મેદાન થઇ જવા પામેલ હતા અને ૩૦૦ મીટર સુધી પાઇપલાઇન નીકળતા ખેડૂતોના ઉભા પાક કપાસ અને મગફળીની માટીના રૂપમાં ફેરવી દીધી હતી જે સમસ્યાથી ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો જે બાબતની ખેડૂતોએ ગામના યુવા અને ઉત્સાહી સરપંચ રાજેશભાઈ મારવીયાને જાણ કરતા ગામના સરપંચે તાત્કાલીક સિંચાઇ વિભાગને જાણ કરતાં સિંચાઇ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર પી.વી. પોપટ તાત્કાલિક જ ઘટનાસ્થળે આવીને બનાવની સંપુર્ણ વિગતો મેળવીને જે તે લગત કંપનીના કોન્ટ્રાક્ટરને યોગ્ય કરવા સૂચના આપી હતી અને સાથો સાથ ખેડૂતોને સાંત્વના પાઠવી પાક નુકશાનીનું વળતર આપવાની ખાતરી પણ આપી હતી.

આ તકે ખેડૂતોએ જણાવેલ હતું કે ખેડૂતોને પડતી પારાવાર નુકસાનીનું યોગ્ય વળતર નહીં ચૂકવવામાં આવે તો આવનાર સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગ પર ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારેલ હતી. પાઇપલાઇન બહાર નિકળતા ખેડૂતો રોષે ભરાયા, વળતર આપવાની માંગ કરી છે, હવે ખેડુત ભાઈ ને વળતર મળે છે કે કેમ એ હવે જોવું રહ્યું.

અહેવાલ : ભોજાભાઈ ટોયટા, નિકાવા

 

Related posts

Leave a Comment