હિન્દ ન્યુઝ, ભુજ
કચ્છ જિલ્લામાં તા. ૮ થી ૧૪ જૂન દરમિયાન ઉજવવામાં આવનાર સ્વચ્છતા સપ્તાહ અભિયાનનો આજરોજ ભુજ તાલુકાના સુખપર ગામેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના હસ્તે સ્વચ્છતા રેલીને પ્રસ્થાન કરાવી અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરએ સ્વચ્છતા જાળવવામાં જનભાગીદારીના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, સ્વચ્છ ગામ અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે દરેક નાગરિકની સક્રિય ભાગીદારી જરૂરી છે. સ્વચ્છતા માત્ર અભિયાન નહીં પરંતુ જીવનશૈલી બનવી જોઈએ. આ ટાંકણે કલેક્ટરશ્રી દ્વારા સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
રેલી બાદ ગામમાં સામૂહિક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં તમામ ઉપસ્થિતોએ શ્રમદાન કરી જાહેર સ્થળો, રસ્તાઓ તથા આસપાસના વિસ્તારોની સફાઈ કરી હતી. સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ લાવવા તેમજ ગામોને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સૌએ સંકલ્પ પણ લીધો હતો.
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત સમગ્ર સપ્તાહ દરમિયાન જિલ્લાના વિવિધ ગામોમાં સ્વચ્છતા, ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન, પ્લાસ્ટિક મુક્તિ, વૃક્ષારોપણ તથા જનજાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્ય, તાલુકા વિકાસ અધિકારી, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ગામના સરપંચ, આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા.
