ઓલપાડના જીણોદ ગામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાત્રિસભા યોજી ગ્રામજનો સાથે કર્યો આત્મીય સંવાદ

હિન્દ ન્યુઝ, ઓલપાડ

    સુરત જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રથમ દિવસની રાત્રીએ ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’ અંતર્ગત ઓલપાડ તાલુકાની જીણોદ ગામ પંચાયતના પટાંગણમાં આયોજિત રાત્રિસભામાં ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. જેમાં તેમણે સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વ્યસનમુક્ત ગામ અને શિક્ષણ ઉપર ભાર મુક્યો હતો. 

            આ પ્રસંગે રાજ્યપાલએ ગામની સમરસતા અને એકતાના વાતાવરણની પ્રશંસા કરતા જણાવ્યું કે, જો પરિવારમાં સ્નેહ, એકતા અને ભાઈચારો હોય તો તે ધરતી પરનું સ્વર્ગ છે. જીણોદ ગામ અન્ય ગામ કરતા કઈ રીતે આદર્શ ગામ બને તે અંગે જણાવ્યું કે, સફાઈ અને પર્યાવરણની રક્ષા કરવામાં ક્યારેય શરમ અનુભવવી જોઈએ નહીં. પર્યાવરણની રક્ષા અને સફાઈ કરનારા હંમેશા મહાન હોય છે. વૃક્ષોનું જતન અને માવજત કરવી આપણી ફરજ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામનું અભિયાન વેગવતું બન્યું છે. તેઓ જ્યાં પણ જાય છે ત્યાં વૃક્ષોનું જતન કરવા પર વિશેષ ભાર મૂકે છે, ત્યારે ગ્રામજનોએ અઠવાડિયામાં એક દિવસ થોડો સમય કાઢી પોતાની શેરી અને આખા ગામમાં સફાઈ કરવી જોઈએ તથા વૃક્ષોને પાણી પીવડાવું જોઈએ.

              પર્યાવરણની જાળવણી માટે રાજ્યપાલશ્રીએ જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ જેવા પ્રસંગોએ વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ લેવા જણાવ્યું હતું. તેમજ આવનારો જન્મ દિવસ કે લગ્નનની વર્ષગાંઠ ન આવે ત્યાં સુધી તેનું જતન કરો. વૃક્ષ ૨૪ કલાક ઓક્સિજન આપે છે, જેથી ભવિષ્યમાં ઓક્સિજનની અછત જેવી સમસ્યાઓ નિવારી શકાય. દરેક ગ્રામજને દર વર્ષે એક વૃક્ષ રોપવાનો સંકલ્પ લેવો જોઈએ. 

           સ્વાસ્થ્યની ગંભીરતા અંગે જણાવતા રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, સ્વાસ્થ્યને સારું રાખવા માટે સાત્વિક આહાર લેવો અનિવાર્ય છે. જંક ફુડને ગ્રહણ કરવું શરીર માટે હાનિકારક છે. સારું સ્વાસ્થ્ય રહશે તો ઘર- પરિવાર આગળ વધશે. તમાકુ, દારૂ કે ગુટકા જેવા વ્યસનોમાં શરીર બગાડવું જોઈએ નહીં, કારણ કે તે કેન્સર જેવી ભયંકર બીમારીઓનું મૂળ છે. આવી જીવલેણ બીમારીની સારવાર પાછળ ઘરમાં પૈસાની તંગી પડે, આર્થિક સ્થિતિ ડામાડોળ થાય છે, પરિવાર દુઃખી થાય છે, આવા વ્યસનથી દુર રહી શુદ્ધ અને સાત્વિક આહાર લેવો ફાયદાકારક છે.

Related posts

Leave a Comment