હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે બેઠક યોજવામાં આવી હતી. આ નિમિતે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા પણ ઉપસ્થિત રહ્યા હતા. સેન્ટ્રલ ટીબી ડિવિઝન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નવી દિલ્હી અને પંચાયતી રાજ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા ટીબી મુક્ત પંચાયત – ૨૦૨૫ અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ ક્ષયના રોગની નાબુદી માટે કામગીરીને વેગ આપવામાં આવ્યો હતો. તે સંદર્ભે દાહોદ જિલ્લાના કુલ ૬ ગામોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા.
આ દરેક ગામોમાં ટીબી દર્દીઓની નિયમિત સારવાર આપવામાં આવતી હતી. ઉપરાંત દવાઓની અસરકારકતા, નિક્ષય પોષણ યોજના દ્વારા આપવામાં આવતા લાભ, ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ નિક્ષય મિત્ર દ્વારા ન્યુટ્રીશીયન સપોર્ટ જેવા મહત્વની બાબતો અંગેની સમયસર જાણકારી સહિત તેઓનું નિરીક્ષણ કરવા માટે વેરિફિકેશન ટીમની રચના પણ કરવામાં આવી હતી.
આ બેઠક દરમ્યાન દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાંથી ભૂતપગલાં, પાણી વાસણ ગામ અને લીમખેડા તાલુકામાંથી દેગાવાડા, નાની વાસવાણી તેમજ ઝાલોદ તાલુકામાંથી ગુલતોરા ઉતર અને ગુલતોરા પશ્ચિમ આમ આ તમામ કુલ ૬ ગ્રામ પંચાયતોને ક્ષય મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. કલેકટરના વરદ હસ્તે સંબંધિત ગ્રામ પંચાયતના સરપંચઓને ટીબી મુકત પંચાયતનું પ્રમાણપત્ર, મહાત્મા ગાંધીજીની બ્રોન્ઝ અને સિલ્વર પ્રતિમા આપી સન્માન કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ નિમિતે કલેકટર યોગેશ નિરગુડેએ ક્ષય મુક્ત જાહેર થનાર ગામોના સરપંચઓને અભિનંદન પાઠવતા કહ્યુ હતુ કે, ગામના સરપંચઓ માટે તેમજ દાહોદ જિલ્લા માટે આ ગૌરવની વાત છે. દાહોદ જિલ્લામાં વધુમાં વધુ સ્ક્રીનિંગ થાય એ મુજબ કામગીરી કરવાની જરૂર છે, એમ કહેતાં એમણે આટલા ગામો ક્ષય મુક્ત જાહેર થવા માટેની સતત પ્રયત્નશીલ રહી કામગીરી કરવા માટે દરેક સરપંચ અને આરોગ્ય કર્મચારીઓને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અભિનંદન પાઠવવ્યા હતા.
જીલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાએ કહ્યું હતું કે, તમામ ગામોના સરપંચઓ પોતાના ગામના દરેક નાગરિકનું ટીબી માટે સ્ક્રીનિંગ સુનિશ્ચિત કરે તેમજ “નિક્ષય મિત્ર” બની ટીબી દર્દીઓને પોષણ કિટનું વિતરણ કરી તેમને સારવાર દરમ્યાન પૂરતું પોષણ અને સહયોગ પૂરું પાડે.આ બેઠકમાં જિલ્લા ક્ષય કેન્દ્રના ડૉ. આર. ડી. પહાડિયા, સંબંધિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરઓ, આરોગ્ય સ્ટાફ તેમજ દેવગઢબારીયા, લીમખેડા, ઝાલોદ સહિતના તાલુકાઓના સરપંચઓ હાજર રહ્યા હતા.
