ગુજરાતની ૫૫૦ આઈ.ટી.આઈ. વચ્ચેની સ્પર્ધામાં જામનગરની આઈ.ટી.આઈ. રાજ્યમાં તૃતીય ક્રમે વિજેતા

હિન્દ ન્યુઝ, જામનગર

    જામનગરની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાએ ગુજરાત રાજ્યની કુલ ૫૫૦ આઈ.ટી.આઈ. વચ્ચે યોજાયેલી શ્રેષ્ઠત્તમ સંસ્થાની સ્પર્ધામાં રાજ્યકક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને જામનગરનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા એમ ચાર વિભાગોની કુલ ૫૫૦ સંસ્થાઓમાંથી જામનગર આઈ.ટી.આઈ.એ આ સિદ્ધિ હાંસલ કરી છે. આ સ્પર્ધાના પ્રથમ તબક્કે રાજકોટ વિભાગની કુલ ૯૯ આઈ.ટી.આઈ. માંથી જામનગરની સંસ્થા પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઈ હતી, ત્યારબાદ રાજ્યની પસંદ થયેલી શ્રેષ્ઠ ૧૨ સંસ્થાઓ વચ્ચેની આખરી સ્પર્ધામાં જામનગરે સમગ્ર રાજ્યમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. આ ભવ્ય સફળતા બદલ રાજ્ય સરકાર દ્વારા સંસ્થાને પ્રોત્સાહન રૂપે રૂપિયા પાંચ લાખનું અનુદાન પણ એનાયત કરવામાં આવ્યું છે.

શ્રેષ્ઠ આઈ.ટી.આઈ.ની પસંદગી માટે કુલ ૩૦ જેટલા વિવિધ કઠિન માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા હતા, જેમાં સંસ્થાની સફાઈ, તાલીમની ગુણવત્તા, ઓન જોબ ટ્રેનિંગ, એફિલેશન, ડ્યુઅલ સિસ્ટમ ઓફ ટ્રેનિંગ અને તાલીમાર્થીઓના પાસ આઉટ રેશિયો જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ તમામ પાસાઓમાં ૧૫૦ ગુણમાંથી ૧૨૭ ગુણ મેળવીને જામનગર આઈ.ટી.આઈ.એ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. સંસ્થા દ્વારા માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પરંતુ તાલીમાર્થીઓના સર્વાંગી વિકાસ માટે થેલેસેમીયા ટેસ્ટ, બ્લડ ડોનેશન કેમ્પ, કેન્સર અવેરનેસ સેમિનાર, વૃક્ષારોપણ અને વિવિધ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ જેવા રચનાત્મક કાર્યક્રમોનું સતત આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત પર્યાવરણ જાગૃતિ માટે ગીર, નરારા અને પોલો ફોરેસ્ટમાં શૈક્ષણિક શિબિરો તેમજ ફાયર સેફ્ટી અને સિવિલ ડિફેન્સની તાલીમ પણ આપવામાં આવી હતી.

Related posts

Leave a Comment