હિન્દ ન્યુઝ, જામનગર
જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા ૨૦ માર્ચ ૨૦૨૬ના રોજ ‘વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ’ (World Oral Health Day) નિમિત્તે વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સિંધી સમાજ, ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન અને રોટરી ક્લબનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે મૌખિક આરોગ્ય ચકાસણી શિબિર યોજવામાં આવી હતી, જેમાં નિષ્ણાત તબીબો દ્વારા તપાસ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જનજાગૃતિના ભાગરૂપે પ્રભાવશાળી નુક્કડ નાટક દ્વારા દાંતની સુરક્ષા અને મૌખિક સ્વચ્છતાના મહત્વને સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મૌખિક સ્વચ્છતા સંબંધિત વિવિધ રમતો અને આરોગ્યપ્રદ પ્રવચનો દ્વારા ઉપસ્થિત સૌને દાંતની યોગ્ય સંભાળ લેવાની પદ્ધતિઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
મંદિર પ્રમુખ કેશુભાઈ આહુજા અને વિક્કીભાઈ આહુજાના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં ચેટીચાંદના પવિત્ર અવસરે સિંધી સમાજ સાથે મળીને ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત સૌને મૌખિક સ્વાસ્થ્ય અંગે માહિતગાર કરાયાં હતા.
આ પ્રસંગે સામાજિક જવાબદારીના ભાગરૂપે જરૂરિયાત મંદ લોકો માટે મફત ઓરલ હેલ્થ કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ડૉ. પરમાનંદ ખટ્ટર, ડેન્ટલ કોલેજના ડીન ડૉ. નયના પટેલ અને પ્રોફેસર ડૉ. રોહિત અગ્રવાલે મંદિર સમિતિનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આવા સંયુક્ત પ્રયાસોથી જ સમાજમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવી શકાય છે. આ સમગ્ર આયોજન દ્વારા વિદ્યાર્થીઓ અને નગરજનોમાં મુખ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધારવાનો એક પ્રશંસનીય પ્રયાસ કરાયો હતો.
