હિન્દ ન્યુઝ, વલસાડ
બગસરા એટલે ગાંધીજીએ જેને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે એ ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ અને આ ભૂમિ ઉપર રામકથાના માધ્યમથી તેને સ્મરણાંજલિ આપવાનો રૂડો ઉત્સવ પૂ.મોરારિબાપુએ ઉભો કર્યો છે. તેનો પ્રારંભ 7 માર્ચથી થયો અને સમાપન 15 માર્ચના રોજ થશે. કથાના મનોરથી મૂળ લાઠીના અને હાલ યુ.એસ.એ.સ્થિત સુશ્રી હર્ષાબા ગોહિલ છે.
બાપુએ પોતાની વાણીને મુખર કરી પોતાનો રાજીપો વ્યક્ત કરતા કહ્યું કે મેઘાણી શબ્દને હું તલગાજરડાના શબ્દોથી કહું તો તેમના શબ્દો એ મેઘવાણી છે. આ વાણી અને લોકોને ભીંજવે છે. મેઘાણી ભાઈને 14 રત્ન સન્માનથી નવાજવાનો આ સંકલ્પ આજે સિદ્ધ થઈ રહ્યો છે તેનો આનંદ અને ગૌરવ અનુભવું છું.

રામકથાના માધ્યમથી હિન્દીના સર્જકો નિરાલા અને દિનકર વગેરેને આ જ રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. ગુજરાતીના પ્રતિષ્ઠિત સાહિત્યકાર કવિ ઉમાશંકર જોશીને પણ યાદ કરીને તેમના વતન બામણામા કથા ગાનના માધ્યમથી ભાવાંજલિ અર્પી છે. બાપુએ આપણા અમરેલીના રમેશ પારેખ અને ચલાલાના લોકસાહિત્યકાર કાનજી ભુટા બારોટ અને આપણા સેવા સાથી પૂજ્ય રવિશંકર મહારાજને પણ કથાના માધ્યમથી યાદ કરવાનો મનોરથ વક્ત કર્યો.
પ્રથમ દિવસે કથાનો ક્રમ વિવિધ પાત્રો અને દેવોની વંદના સાથે આજની કથાને વિરામ આપવામાં આવ્યો હતો. કથાની ભુમિકા કવિ, ગાયક શ્રી હરીચંદ્ર જોશીએ પ્રસ્તુત કરી હતી.

દીપ પ્રાગટ્ય અને કથામાં મનોરથી અજયસિંહ રસિકસિંહ ગોહિલ, સાંસદ પુરુષોત્તમ રૂપાલા, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, ધારાસભ્ય કસવાલા અને જે. વી.કાકડીયા, માનવ મંદિરના પૂ. ભક્તિરામબાપુ, મોરબીના શિવરામ, બદરુભાઈ વાળા, ઝવેરચંદ મેઘાણીના સુપુત્રો અશોકભાઈ મેઘાણી અને પીનાકી મેઘાણી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
કથાના સમગ્ર આયોજન વ્યવસ્થામાં ચીમનભાઈ વાઘેલા, ભરતભાઈ ચાંદ્રાણી, લવકુભાઈ વાળા અને બગસરાના સ્થાનિક આગેવાનો પણ જોડાયાં હતાં.
વલસાડ જીલ્લા બ્યુરોચીફ : મહેશ ટંડેલ


