હિન્દ ન્યુઝ, બારડોલી
“સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા…” સંસ્કૃતના આ જાણીતા મંત્રનો ભાવાર્થ સર્વ સુખી રહે, સર્વનું આરોગ્ય સ્વસ્થ રહે, સૌ રોગમુક્ત રહે એવો થાય છે. વર્તમાન સમયમાં જ્યારે રાસાયણિક ખાતરથી થતી ખેતીના પાકથી બિમારીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે તંદુરસ્ત જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એક માત્ર શ્રેષ્ઠ વિકલ્પ રહ્યો છે. ખેડૂતોની આવક પણ બમણી થાય એવા લક્ષ્ય સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીને તેજ ગતિથી આગળ વધારી છે અને લાખો ખેડૂતોને આ ખેતીમાં જોડ્યા છે. જાગૃત્ત ખેડૂતોએ પ્રકૃત્તિની રક્ષા સાથે પ્રાકૃતિક ખેતીના મંડાણ કર્યા છે. ત્યારે આજે વાત છે સફળ પ્રાકૃતિક ખેતી કરતા એવા મહિલા ખેડૂતની, જેમણે શિક્ષિકાની નોકરી છોડી જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતીને અપનાવી છે અને ધાર્યા કરતા બમણી સફળતા મેળવી છે.
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રામપુરા ગામના મહિલા ખેડૂત ભાવનાબેન પ્રવિણભાઈ પટેલ અનુભવી ખેડૂતોની બરોબરી કરી રહ્યાં છે. તેઓ ખેડૂત સખી તરીકે કાર્ય કરી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. મહિલાઓને નોકરીના વિકલ્પના રૂપમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરણા આપી રહ્યા છે.
‘ઝીરો બજેટ પ્રાકૃત્તિક ખેતી કરો અને સ્વસ્થ રહો’નો સંદેશ આપી રહેલા ભાવનાબેન ૨ વીઘા જમીનમાં જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક રૂ.૩ લાખની આવક મેળવી રહ્યા છે. તેમજ ઓર્ગેનિક ગોળમાંથી લાડું બનાવીને વધારાની આવક પણ મેળવી રહ્યાં છે.
