હિન્દ ન્યુઝ, વડોદરા
દીપાના લગ્ન નક્કી થયા છે. દીપા કોણ છે? દીપા વડોદરા સ્થિત નારી સંરક્ષણ ગૃહમા આશ્રિત એક દીકરી છે. જેને તેના પરિવારએ વર્ષ ૨૦૧૨માં કોઇ કારણોસર ત્યજી દીધી હતી. આવતા મહિને માર્ચ-૧૦-૧૧ના રોજ દીપાના લગ્ન છે. છોકરો પણ સારો છે. પરિવાર અમદાવાદનો છે અને છોકરો સિવિલ એન્જીનિયર,પ્રાઇવેટ કંપનીમા જોબ કરે છે. ૫૫ હજારની સેલરી છે. પરિવારમા માતપિતા અને મોટી બહેન છે. લગ્નમા વરપક્ષ તરફથી સમગ્ર પરિવાર અને સમાજ આવશે. પરંતુ એક ત્યજી દીધેલી દીકરી માટે કન્યાપક્ષ તરફથી કોણ આવશે ?
કોણ દીકરીને કાકા-કાકી બની ગણેશપૂજનમા સામેલ થશે? કોણ ભાભી બની પીઠી ચોળશે? કોણ મિત્ર બની ડીજેમા નાચશે. કોણ નાની બહેન બની જીજાના જુતા ચોરી કરશે? કોણ સાસુ બની જમાઇનું નાક ખેંચશે. કોણ માતાપિતા બની કન્યાદાન કરશે? અને કોણ ભાઇ બની વિદાઇ વખતે આંસુઓ ખાળશે? પરિવાર વગરનું જીવન કેટલું સંઘર્ષમય હોય છે, તે કોઈ પણ સંરક્ષણ ગૃહમાં રહેલી દીકરીઓને પૂછો.
પરિવાર દ્વારા ત્યજી દેવાયેલી દીપાએ જીવનના અનેક તોફાનો સહન કર્યા છે. એકલતા, આંસુઓ અને સંઘર્ષ વચ્ચે પણ તેણે હિંમત ન હારી. લગ્ન જીવનનો સૌથી અગત્યનો નિર્ણય છે. જેમાં પરિવારની ભૂમિકા અમૂલ્ય હોય છે. આજે તે નવા જીવનની શરૂઆત કરી રહી છે. પરંતુ માતા-પિતાની ખાલી જગ્યા તો તેને આજે પણ ચુભતી જ હશે. તેનુ પરિવાર કહેવા માટે ફક્ત નારી સંરક્ષણ ગૃહના કર્મચારીઓ છે જેમણે આટલા વર્ષ પરિવારની જેમ સુખદુઃખમા સાથ સહકાર આપી દુનિયામા નામ કમાઇ શકે અને સશક્ત બની જીવન જીવી શકે તેવી હિંમતવાન બનાવી શિક્ષણ અને સંસ્કારનું સિંચન કર્યું છે.
દીપાએ હિંમતથી આગળ વધવાનો નિર્ણય લીધો છે. શું આપણે જાગૃત અને સંવેદનશીલ નાગરિકો આ દીકરીનો પરિવાર બની શકીએ? તેની બાજુએ ઊભા રહી તેની આંખોના આંસુઓને ખુશીના આંસુઓમાં ફેરવી શકીએ? પરિવારની જેમ હુંફ અને લાગણી વ્યક્ત કરી લગ્નની તૈયારીઓ અને રિતરિવાજોમા સામેલ થઇએ અને લગ્નના ખર્ચને પહોચી વળવા ચાંદલો, કરિયાવર, કન્યાદાન થકી પરિવારની ગરજ સારીએ. માત્ર દાન નહીં એક દીકરીને પરિવારનો અહેસાસ આપીએ. “બેટી, તું એકલી નથી… તારો પરિવાર આજે તારી સાથે છે.” તેવો અનુભવ આપીએ.
ભારતીય સંસ્કૃતિમા કન્યાદાન માત્ર એક વિધિ નથી. તેને મહાદાનમા સ્થાન આપવામાં આવ્યું છે. માતાપિતા માટે કન્યાદાન એ જીવનની સૌથી મોટી જવાબદારી પૂર્ણ થવાનો અહેસાસ, એક આશીર્વાદ એક સંસ્કાર છે. જીવનમા કોઇને નિ:સ્વાર્થ ભાવે મદદરૂપ બનવીની ક્ષણ ઘણી ઓછી આવતી હોય છે ત્યારે દીકરીને મદદરૂપ બનવાની આ તક ગુમાવશો નહી.
આ અમુલ્ય પ્રસંગમા સહભાગી થવા અને કન્યાદાન માટે સંપર્ક કરો: નારી સંરક્ષણ કેન્દ્ર, નિઝામપુરા મેનેજર શ્રીમતી હેતાક્ષીબેન ચાંપાનેરી મો.૭૫૭૩૦-૧૩૫૭૫.
