પ્રાકૃતિક કૃષિથી કરો ધરતીનું રક્ષણ અને આરોગ્યનું જતન

હિન્દ ન્યુઝ, ડાંગ 

          ધરતી એ માતા સમાન છે. ખેડૂત એ તેનો સાચો રખેવાળ છે, જે યોગ્ય રીતે ધરતીનું રક્ષણ અને સંવર્ધન કરી શકે છે. આપણાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વમાં જમીનને ફરી જીવંત બનાવવા અને તેની ફળદ્રુપતા વધારવા માટે પ્રાકૃતિક કૃષિને વિશેષ પ્રાધાન્ય આપવા ખેડૂતોને અપીલ કરવામાં આવી રહી છે.

           પ્રાકૃતિક કૃષિ માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ સ્વસ્થ જીવનશૈલી તરફનું પગલું છે. આ પદ્ધતિ અપનાવવાથી વાતાવરણ તો શુદ્ધ બને જ છે, સાથે સાથે માનવીઓનું આરોગ્ય પણ સુધરે છે, જમીનની ફળદ્રુપતા વધે છે અને ભૂગર્ભ જળસ્તર ઉપર આવવાથી સિંચાઈ માટે પણ પુરતું પાણી મળી રહે છે. એટલે કે પ્રાકૃતિક કૃષિથી ખેડૂત, ધરતી અને સમાજ એમ ત્રણેયનું કલ્યાણ શક્ય બને છે.

           જંગલમાં કોઈપણ પ્રકારનાં રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓનો ઉપયોગ ન થવા છતાં ત્યાંનાં વૃક્ષો દર વર્ષે ભરપૂર ફળ આપે છે. આવી જ કુદરતી પ્રક્રિયાને ખેતરમાં અપનાવવાની પદ્ધતિ એટલે પ્રાકૃતિક કૃષિ. જાણકારો કહે છે કે દેશી ગાયનાં એક ગ્રામ છાણમાં અંદાજે ૩૦૦ કરોડ સૂક્ષ્મજીવો હોય છે અને ગૌમૂત્ર ખનીજોનો કુદરતી ભંડાર છે. આથી પ્રાકૃતિક કૃષિ બિનખર્ચાળ, સ્વાસ્થ્યવર્ધક અને પાક સંવર્ધન માટે ઉત્તમ પદ્ધતિ સાબિત થાય છે.

            પ્રાકૃતિક ખેતીથી જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા વધે છે, ફળદ્રુપતા જળવાઈ રહે છે અને ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થાય છે. માત્ર એક દેશી ગાયનાં ગોબર અને ગૌમૂત્રથી લગભગ ૩૦ એકર જમીનમાં સફળ ખેતી શક્ય બની શકે છે. આ પદ્ધતિથી ખર્ચ ઓછો થાય છે, અને ઉત્પાદન વધારે મળે છે, લગભગ ૯૦ ટકા સુધી પાણીની બચત થાય છે તેમજ પર્યાવરણ અને માનવીય આરોગ્યનું રક્ષણ થાય છે. પરિણામે ગામડાં સ્વાવલંબન તરફ આગળ વધે છે અને દેશની સમૃદ્ધિમાં વધારો થાય છે.

            આપણાં રાજ્યપાલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિને જનઆંદોલનરૂપે આગળ ધપાવવામાં આવી રહ્યું છે. રાજ્યનાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ તેમજ આત્મા પ્રોજેક્ટના સહયોગથી તાલીમ શિબિરો યોજી માસ્ટર ટ્રેનર્સ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. કારણ કે ખેડૂતનો સાચો માર્ગદર્શક અને મિત્ર બીજો ખેડૂત જ બની શકે છે. આ માસ્ટર ટ્રેનર્સ દ્વારા વિવિધ વિસ્તારોમાં તાલીમ આપી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે.

           હવે સમય આવી ગયો છે કે દરેક ધરતીપુત્ર પ્રાકૃતિક કૃષિ અપનાવી જમીનને ફરી જીવંત બનાવે. આવો, મળીને તંદુરસ્ત ધરતી, સ્વસ્થ સમાજ અને સમૃદ્ધ ગામડાં તરફ પ્રાકૃતિક કૃષિના માર્ગે આગળ વધીએ. 

Related posts

Leave a Comment