સિદ્ધો-તપસ્વીઓની ગિરનારી ભૂમિ પર અનેક ભાવિકો ભજન ભક્તિનું ભાથુ બાંધવા શ્રદ્ધા ભાવ સાથે આવે છે

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

     સિદ્ધો-તપસ્વીઓની ગિરનારી ભૂમિ પર અનેક ભાવિકો ભજન ભક્તિનું ભાથુ બાંધવા શ્રદ્ધા ભાવ સાથે આવે છે, મહાશિવરાત્રીના મેળામાં પણ દૂરસુદૂરથી આવીને શ્રદ્ધાળુઓ અનેરા ભક્તિભાવ સાથે પધારે છે- ભવનાથ મહાદેવ અને ગિરનારી મહારાજના સાનિધ્યમાં ભજન કરીને પોતાને ભાગ્યવાન માને છે, તેવા જ એક ભજન પ્રેમી શ્રી અર્પણ ફટાણીયા છેલ્લા સોળેક વર્ષથી છેક લંડનથી મહાશિવરાત્રીના મેળામાં અચૂક પધારે છે અને ગિરનારી ભૂમિ પર ભજન ગાયને પોતાની વાણીને પવિત્ર કરે છે. 

મૂળ પોરબંદરના પણ વર્ષો પહેલાં બાપ દાદા વખતથી જ લંડન સ્થાયી થયેલા શ્રી અર્પણ ફટાણીયા સુપ્રસિદ્ધ ભજનીક સ્વ. પ્રાણલાલ વ્યાસના શિષ્ય છે, આ સંદર્ભમાં તેઓ કહે છે કે, વર્ષ ૨૦૦૬માં હું પ્રથમવાર જૂનાગઢ આવ્યો ત્યારે ભોજન પ્રત્યે લગાવ જાગ્યો હતો, એટલે ખાસ શ્રી સ્વ. પ્રાણલાલ વ્યાસે આપણા ભજનની સંસ્કૃતિ દેશ પરદેશની ભૂમિ સુધી પહોંચે તે માટે તેમણે ભજનની તાલીમ આપી હતી. 

 

તેમણે કહ્યું કે, મહાશિવરાત્રીના મેળામાં વર્ષોથી આવું છું અને ગુરુ શ્રી શેરનાથ બાપુની પ્રેરણાથી મેળામાં જુદા જુદા ઉતારાઓમાં પણ ભજન ગાયને વાણી પવિત્ર કરું છું. તેમને આપણા ૧૦૦થી વધુ દેશી અને પ્રાચીન ભજનો કંઠસ્થ છે. 

 

તેમણે સ્વ. પ્રાણલાલ વ્યાસ પાસેથી ભજન શીખવાની એક વાત કરતા કહ્યું કે, સ્વર્ગસ્થ પ્રાણલાલ વ્યાસ પાસેથી ભજન શીખી રહ્યો હતો, ત્યાં એક બારી હતી, ત્યાંથી ગિરનાર મહારાજના દર્શન થતાં અને તેને જોઈને શ્રદ્ધા ભાવ સાથે ભજન ગાવા માટે કહ્યું હતું, એટલે આજે પણ લંડનમાં ગિરનારી મહારાજનો ઘરે ફોટો રાખ્યો છે, એટલે જ્યારે પણ ભજન માટે બેસુ ત્યારે તેના દર્શન કરીને ભજન કરું છું.

 

તેમણે એમ કહ્યું કે, ખાસ લંડનમાં ભારતીય તહેવાર કે અન્ય પ્રસંગોએ મંદિરોમાં જઈને ભજનના પ્રોગ્રામ આપું છું. 

 

તેમણે એમ પણ કહ્યું કે, છેલ્લા ૧૬ વર્ષથી મહાશિવરાત્રીના મેળામાં આવું છું, પરંતુ આ વર્ષે મેળાનો માહોલ કંઈક અલગ જ છે, રાજ્ય સરકાર દ્વારા ભાવિકો માટે પૂરતી સુવિધાઓ કરવામાં આવી છે. ભાવિક ભક્તો પણ પુરા આનંદ સાથે મેળાને માણી રહ્યા છે.

Related posts

Leave a Comment