રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલી સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે પ્રેરક સંવાદ સાધ્યો

હિન્દ ન્યુઝ, જૂનાગઢ 

રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ આજે જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલી સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે પ્રેરક સંવાદ સાધ્યો હતો. સાથે જ જૂનાગઢ જિલ્લાની સર્વગ્રાહી શૈક્ષણિક સ્થિતિની સમીક્ષા કરી હતી.

રાજ્ય શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને વાલીઓ સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે, એજ્યુકેશન સિસ્ટમને વધુ બહેતર બનાવવા માટે વિદ્યાર્થીઓની વાલીઓ સાથે પણ સંવાદ કરવામાં આવી રહ્યો છે, તેમણે ખાસ વિદ્યાર્થીઓનો સ્ક્રીન ટાઈમ ઓછો થાય અને મોબાઈલથી દૂર રહી મેદાનોમાં રમત રમે તે માટે કોઈપણ એક રમતમાં વિદ્યાર્થીની રુચિ કેળવાય તે જરૂરી છે. વધુમાં તેમણે કહ્યું કે, રમત ગમત ક્ષેત્રે વધુ વિદ્યાર્થીઓ આગળ આવે તે માટે શિક્ષકોની કાયમી ભરતી પણ કરવામાં આવશે.

તેમણે એમ પણ કહ્યું કે, પાઠ્યક્રમમાં પણ જરૂરી સુધારાઓ કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે, તેમાં ભારતીય સંસ્કૃતિ, કલા વારસો, અને જ્ઞાન પરંપરાને તેમાં સવિશેષ સ્થાન આપવામાં આવશે.

આ પ્રસંગે તેમણે પરીક્ષાના સંદર્ભમાં પણ વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના વ્યવહારો ઉકેલ સૂચવ્યા હતા અને પરીક્ષા તણાવ મુક્ત રીતે આપી શકાય તે માટે વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કર્યું હતું.

આ તકે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ સંબોધન કરતા સમગ્ર કાર્યક્રમની પૂર્વભૂમિકા આપી હતી.

રાજ્ય શિક્ષણ મંત્રીએ તાજેતરમાં જ ટેનિસ રમતના ક્ષેત્રમાં સમગ્ર દેશનું નામ રોશન કરનાર જૂનાગઢની કુ. જન્સી કાનાબારનું સ્મૃતિચિન્હ અર્પણ કરી વિશેષ સન્માન કર્યું હતું અને અભિનંદન આપ્યા હતા.

આ કાર્યક્રમ બાદ રાજ્ય શિક્ષણ મંત્રીએ જિલ્લાના શિક્ષણ છે જોડાયેલા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

રાજ્ય શિક્ષણ મંત્રીએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની સર્વગ્રાહી સમીક્ષા કરતા વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વોકેશનલ ટ્રેનિંગ આપવાનો વ્યાપ વિસ્તારવા માટે સૂચના આપી હતી. આ ઉપરાંત તેમણે શિક્ષણની ભૌતિક સુવિધાઓના કામની ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં, ગુણવત્તા યુક્ત કામો થાય તે સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યા હતા.

વિદ્યાર્થીઓનું પાયેથી જ શિક્ષણ મજબૂત બને તે માટે પણ જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપતા જણાવ્યું હતું કે, સમાજમાં સૌથી વધુ ભરોસો શિક્ષકો ઉપર છે, તે શિક્ષકોએ સાર્થક પણ કર્યો છે, આ સાથે જ આ પવિત્ર વ્યવસાયના ગર્વ અને ગરીમાને ઠેસ ન પહોંચે તેની પણ કાળજી લેવી એટલી જ જરૂરી છે.

તેમણે કહ્યું કે, સ્વ કરતા બાળકોનું શિક્ષણ અને તેમનું ભવિષ્ય વધારે મહત્વનું છે, આપણા બાળકો દુનિયાની સાથે કદમતાલ મિલાવી શકે તે માટે તેનું પણ શિક્ષણ કાર્યમાં ધ્યાન રાખવું આવશ્યક છે. તેમણે એમ પણ કહ્યું, પાઠ્યક્રમના શિક્ષણ ઉપરાંત વિદ્યાર્થીઓ ડિબેટ સ્પર્ધાઓમાં પણ સહભાગી બને અને વૈશ્વિક વર્તમાન પ્રવાહોથી પણ વાકફ રહે તે ને પણ શિક્ષણ કાર્યમાં વણી લેવું જોઈએ.

રાજ્ય શિક્ષણ મંત્રીએ, ગ્રાઉન્ડ ઉપર કાર્યરત બી.આર.સી. અને સી.આર.સી પાસેથી પણ તેમના પ્રતિભાવો મેળવ્યા હતા.

જિલ્લા શિક્ષણ અધિકારી સુ લતાબેન ઉપાધ્યાયે પણ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લાની શૈક્ષણિક સ્થિતિનો ચિતાર રજૂ કર્યો હતો.

આ સમીક્ષા બેઠકમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, જિલ્લા શિક્ષણકાર્ય સાથે જોડાયેલા બીઆરસી, સીઆરસી, ટીપીઓ સહિતના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment