છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસન ક્ષેત્રે નવું નજરાણું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

     છોટાઉદેપુર જિલ્લામાં કુદરતી સંપદા અને વનરાજીના જતનની સાથે પ્રવાસનને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. છોટાઉદેપુર વન વિભાગની જેતપુરપાવી રેન્જના ધનપુર (ડુંગરવાંટ) વિસ્તારમાં નવનિર્માણ પામનાર ‘માખણિયા ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ’નું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કાની કામગીરી અંદાજે રૂ. ૧ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે, “છોટાઉદેપુરનો સુખી ડેમ વિસ્તાર પ્રકૃતિના અદભૂત સૌંદર્યથી ભરેલો છે. માખણિયા ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ બનવાથી માત્ર પ્રવાસન જ નહીં, પણ આસપાસના ગ્રામીણ વિસ્તારોના યુવાનો માટે સ્વરોજગારની અનેક તકો ઉભી થશે. આ પ્રોજેક્ટથી સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ મળશે અને શહેરી વિસ્તારના લોકો પ્રકૃતિના ખોળે આરામ અને શાંતિ મેળવી શકશે.”

ઈકો ટુરિઝમના મહત્વ પર ભાર મૂકતા નાયબ વન સંરક્ષક રૂપક સોલંકીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણના સંરક્ષણ સાથે લોકોને પ્રકૃતિની નજીક લાવવાનો છે. સુખી ડેમના કિનારે બનનારી આ સાઇટ પ્રકૃતિપ્રેમીઓ માટે ઉત્તમ સ્થળ સાબિત થશે. વન વિભાગ દ્વારા અહીં એવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે જે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર પ્રવાસીઓને આધુનિક સુવિધાઓનો અનુભવ કરાવશે.

આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં એ.સી.એફ. ફતેસિંહ મીના, એ.સી.એફ. રોમેનસિંહ,સહાયક માહિતી નિયામક માર્ગી રાજપુત, ડુંગરગામના સરપંચ શ્રીમતી બીનાબેન, વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિવિધ ગામોના સરપંચો અને મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment